બિહારમાં JDU નેતાની ગોળી મારી હત્યા, બદમાશોએ છાતીમાં ધરબી ચાર ગોળી
બિહારના કટિહારમાં JDU નેતા કૈલાશ મહતોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બુરારી પોલીસ સ્ટેશન વિસ્તારના પોખરિયા ટોલામાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. માહિતી અનુસાર, નેતાની હત્યા બાદ હવામાં ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ લોહી લુહાણ હાલતમાં જેડીયુ નેતાને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ, તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ દરમિયાન હોસ્પિટલમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.ત્યારે આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
બરારી પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ બારીનગર પંચાયતના પોખર ટોલાના રહેવાસી વરિષ્ઠ JDU નેતા કૈલાશ મહતોની ગુરુવારે સાંજે બાઇક પર સવાર બે અપરાધીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગુનેગારોએ JDU નેતાની છાતી પર ચાર ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ તેમને સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કૈલાશ મહતો 60 વર્ષના હતા.
જેડીયુ નેતા કૈલાશ રાબેતા મુજબ તેમના ઘરના દરવાજા પાસે મુખ્ય માર્ગ પર આવેલી અનિલ શાહની કરિયાણાની દુકાન પાસે બેઠા હતા. દરમિયાન ઉચાલા બાજુથી બાઇક પર આવેલા બે ગુનેગારો ત્યાં પહોંચ્યા હતા. ગુનેગારોએ ઝડપથી ગોળીબાર શરૂ કર્યો. છાતી પર ગોળી વાગતાં JDU નેતા ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ બાઇક સવારો ફોજદારી રેફરલ હોસ્પિટલ તરફ ભાગી ગયા હતા.
હત્યાની ઘટનાની બરારી પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેડીયુ નેતાની હત્યા પાછળ જમીન વિવાદ હોવાનું કહેવાય છે.
પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ગુનેગારોને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાંસદ દુલાલ ચંદ્ર ગોસ્વામી અને ધારાસભ્યએ ઘટનાની નિંદા કરી અને ગુનેગારોની ધરપકડની માંગ કરી છે.