ગુજરાત

કરમાવદ, મુક્તેશ્વર જળ આંદોલન : વડગામના 125 ગામના લોકો પ્રધાનમંત્રી ને 50 હજાર પોસ્ટકાર્ડ લખશે

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોતરા ગામ નજીક આવેલા કરમાવદ તળાવમાં પાણી નાખવા માટે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો જળ આંદોલન ચલાવી રહ્યા છે. આ પંથકના 125 ગામના લોકો જળ આંદોલનને લઈને આક્રમક જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ પાલનપુર ખાતે એક વિશાળ મહારેલી યોજી હતી. જેમાં 20000 ખેડૂતો ભાઈ-બહેનો અને લોકો જોડાયા હતા. જેમને રેલી સ્વરૂપે જઈને બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર માં પાણી નાખવા માટેની રજૂઆત કરી હતી. આ સમયે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે, જો પાણી નહીં નંખાય થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે. ત્યારે હવે મહારેલી બાદ 125 ગામના ખેડૂત ભાઈ- બહેનોએ આગામી ૧૯ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પચાસ હજાર પોસ્ટકાર્ડ લખી ને પાણી નાખવામાં આવે તેવી  રજૂઆત કરનાર છે.

ફાઇલ ફોટો

છેલ્લા ૩૦ વર્ષથી બંધ થઈ રહી છે
આ વિસ્તારના ખેડૂતોની કરમાવદ તળાવમાં પાણી નાખવાની માંગણી કંઈ આજકાલની નથી.  આ વિસ્તારના ખેડૂતો તેના માટે છેલ્લા ૩૦ વર્ષથી માંગણી કરી રહ્યા છે. છતાં આ પ્રશ્નને લઇને સરકારે કોઇ કાર્યવાહી કરી ન હતી. બીજી તરફ આ પંથકમાં પાણીના તળ દિવસે દિવસે 1000 થઈ 1200 ફૂટ સુધી ઊંડા જઇ રહ્યા છે.પાણીના બોર ફેઈલ થઈ રહ્યા છે. જેથી પાણીનો પ્રશ્ન વિકટ બનતા ખેડૂતો આકરા પાણીએ થયા છે.

તળાવ ૯૮ એકરમાં ફેલાયેલું છે
કરમાવદ તળાવનો વિસ્તાર ૯૮ એકરમાં ફેલાયેલો છે. જેની ચારે તરફ ડુંગરો આવેલા છે. ચોમાસા દરમિયાન વરસાદ  વરસે ત્યારે ડુંગરોની ચારે તરફનું પાણી આ તળાવમાં આવે છે. જેના કારણે આજુબાજુના વિસ્તારના પાણીના તળ આવે છે. પરંતુ કેટલાક વર્ષથી પાણીની સમસ્યા વિકટ બની છે. જેને લઈને તળાવ ભરવાની ખેડૂતોની માગણી ઉગ્ર બની રહી છે.

એક સમયે શેરડીનો મબલખ પાક થતો હતો
વડગામપંથક  ધાણધાર પંથક તરીકે પણ ઓળખાય છે. જ્યારે પૂરતું પાણી હતું, ત્યારે આ પંથકમાં ખુબજ મોટા પ્રમાણમાં ખેડૂતો શેરડીનો પાક લેતા હતા. જેમ જેમ પાણીના તળ ઉંડા થતા ગયા તેમતેમ ધીમે ધીમે શેરડીનું વાવેતર બંધ થયું. આ વિસ્તારના કેટલાક ખેતર આજે પાણી વગર પણ ઉજ્જડ બની ગયેલા જોવા મળે છે.

Back to top button