ગુજરાતટોપ ન્યૂઝ

30 હજારથી વધારે સુદાનીઓ ભારતમાંથી ગ્રેજ્યુએટ થયા

  • ગુજરાતીઓ કે જેમના પૂર્વજો સુદાનમાં જન્મ્યા, હવે પાછા ફરશે
  • ગુજરાતીઓ 160 વર્ષ પહેલાં આ ગરીબ દેશમાં વેપાર કરવા ગયા હતા
  • કસાલામાં દવા અને કાપડના વેપારમાં ગુજરાતીઓનું દાયકાઓથી વર્ચસ્વ

યમનના એડનના રસ્તે સને 1860ના દાયકામાં સુદાન પહોંચેલા ગુજરાતીઓની ત્રીજી- ચોથી પેઢી ત્યાં ચાલી રહેલા ગૃહયુધ્ધને કારણે પોતાના પૂર્વજોની ભૂમિ- ગુજરાત પરત ફરી રહી છે. જેમાં એવા પણ ગુજરાતીઓ છે જેમની માતૃભૂમિ સુદાન છે, પોતે ભારતીય નહિ પણ સુદાની નાગરિક છે !

કુલ ભારતીયોમાં 70 ટકા જેટલા ગુજરાતી મુળના નાગરીકો

સુદાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરેલી માહિતી અનુસાર સુદાનમાં 160 વર્ષથી ગુજરાતીઓ રહે છે. આ ગરીબ દેશમાં સૌપ્રથમ ગુજરાતમાંથી લવચંદ અમરચંદ શાહ નામના વેપારી ભારતીય માલસામાનનો વેપાર કરવા યમનના એડન થઈને પહોંચ્યા હતા. સુદાનના સ્થાનિક પત્રકારો અને મિડીયા રિપોર્ટ મુજબ કુલ ભારતીયોમાં 70 ટકા જેટલા ગુજરાતી મુળના નાગરીકો છે. મોટા ભાગે તેઓ ઓમદૂર્મન, કસાલા, જેડારેફ અને વાડ મેદાની જેવા શહેરોમાં દવા અને કાપડના વેપાર ક્ષેત્રે સંકળાયેલા છે. ત્યાં જ જન્મેલાઓની ત્રીજી- ચોથી પેઢી હોવાથી હવે તેઓ સુદાની નાગરીકતા પણ ધરાવે છે. એથી દૂતાવાસના રેકર્ડ ઉપર 1500થી વધુ ભારતીય હોવાનું નોંધાયુ છે.

સુદાનમાં સ્થાયી થયેલાઓમાં મોટાભાગના સૌરાષ્ટ્ર અને કચ્છના મુળ નિવાસી ગુજરાતી

સુદાનમાં સ્થાયી થયેલાઓમાં મોટાભાગના સૌરાષ્ટ્ર અને કચ્છના મુળ નિવાસી ગુજરાતી છે. કસાલા જેવા શહેરમાં તો દવા, કાપડ અને રેસ્ટોરેન્ટના વેપાર- ધંધામાં તેમનું વર્ચસ્વ રહ્યુ છે. હવે તેમને એ કારોબાર અને મિલકત છોડીને ભારત પરત ફરવુ પડી રહ્યુ છે. સોનુ અને તેલના અખુટ ભંડાર ધરાવતા સુદાન પહોંચેલા અધિકાંશ ગુજરાતીઓ ત્યાં ફાટી નિકળેલા લશ્કર અને અર્ધલશ્કરી દળોના યુધ્ધને પગલે પહેલાથી જ યમનના એડન શહેર તરફ સ્થળાંતર શરૂ કર્યુ હતુ. અલબત્ત જેઓ ત્યાં રહી ગયા છે તેવા અંદાજીત 600થી વધુ ભારતીયો સાથે ઓપરેશન કાવેરીમાં પરત આવી રહ્યા છે.

30 હજારથી વધારે સુદાનીઓ ભારતમાંથી ગ્રેજ્યુએટ થયા છે

સુદાન અને ભારતીય પ્રજા વચ્ચે સૈકાઓથી સુમેળભર્યા સંબંધો રહ્યા છે. આર્યુવેદમાં વપરાતી ઔષધ સંપદાનો મોટો સ્ત્રોત હોવાથી ગુજરાતીઓ ઉપરાંત કર્ણાટક સહિતના દક્ષિણ ભારતમાંથી સુદાનમાં વેપાર- ધંધાઅર્થે સ્થિર થયેલા ભારતીયોનું પ્રમાણ રહ્યુ છે. આવાગમનને કારણે સુદાનમાંથી મેડિકલ ક્ષેત્રે કેન્સર, કિડની, હાર્ટ જેવી ગંભીર બિમારીઓમાં સારવાર- સર્જરી માટે ભારત આવવાનું ચલણ વધુ છે. મિડીયા રિપોર્ટ મુજબ ભારતમાંથી 30 હજારથી વધારે સુદાની વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ સહિતનું શિક્ષણ મેળવ્યુ છે.

સાઉથ સુદાનથી ભારતની ટિકિટ અઢી લાખ રૂપિયા, અઢી લાખ શરણાર્થીઓ સાઉથ સુદાન પહોંચ્યા

સુદાનમાં ચાલી રહેલી ગૃહ યુદ્ધની સ્થિતિના કારણે સાઉથ સુદાનથી ભારતની ફ્લાઈટની ટિકિટોના ભાવ અઢીથી ત્રણ ગણા થઈ ગયા છે. સુદાન ગયેલા રાજકોટના એક ઉદ્યોગપતિ આ વિકટ પરિસ્થિતિના કારણે પ્રવાસ ટુંકાવીને તાકીદે ગુજરાત આવવા રવાના થઈ ગયા હતા. તેઓએ વિમાનની ટિકિટ તાત્કાલિક લેતાં અઢીથી ત્રણ ગણા ભાવ ચુકવવા પડ્યા હતાં. સામાન્ય રીતે સાઉથ સુદાનથી ભારતની ટિકિટ એક લાખ રૂપિયા ચાલે છે. તેના બદલે તેમણે અઢી લાખમાં ટિકિટ ખરીદવી પડી હતી. આ ઉપરાંત સુદાનથી શરણાર્થીઓ સાઉથ સુદાન પહોંચવા લાગ્યા છે. આજે અઢી લાખ શરણાર્થીઓ સાઉથ સુદાન રાહત કેમ્પમાં પહોંચ્યા હોવાનું સાઉથ સુદાનમાં રહેલા ગુજરાતના એક યુવાને ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું.

Back to top button