- અંતિમધામમાં મોતનો મલાજો નહીં જાળવનારો કોન્ટ્રાકટર
- અધિકારીએ મને ખબર નથી’ કહીને હાથ અધ્ધર કરી દીધા
- ઓછા લાકડા કૌભાંડની તપાસ વચ્ચે વજન કાંટા ગાયબ
અમદાવાદ શહેરના મ્યુનિ સંચાલિત સ્મશાનગૃહોની ચિતામાં લોખંડનું સ્ટેન્ડ મુકીને ઓછા લાકડા વાપરવાના કૌભાંડનો મામલો બહાર આવ્યા બાદ એક સપ્તાહ અગાઉ જ મ્યુનિ.ના વિજિલન્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં ટીમે ટાંક્યું હતું કે મોટાભાગના સ્મશાનગૃહોમાં લાકડાના વજન કરવા માટેનો વજનકાંટો જ ન હતો. એક સપ્તાહ બાદ પણ જાડી ચામડીના કોન્ટ્રાકટરને જાણે કોઇનો ડર નથી તેમ હજુ સુધી સ્મશાનગૃહોમાં વજન કાંટા મુક્યા જ નથી.
આ પણ વાંચો: અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદ આવ્યો
અંતિમધામમાં મોતનો મલાજો નહીં જાળવનારો કોન્ટ્રાકટર
વાડજમાં જ મંગળવારે એક પરિવારજનો તેમના સ્વજનની અંતિમયાત્રા લઇને ગયા ત્યારે ત્યાં વજનકાંટો જ ભંગારમાં પડેલો જોવા મળ્યો હતો. ઉપરાંત ત્યાંના સ્ટાફે અંદાજે લાકડા આપીને લાકડા ચિતા ઉપર ગોઠવવાનો પણ અલગથી ચાર્જ માંગતાં સ્વજનો પણ ચોંકી ઉઠયા હતા. પરંતુ સ્વજન ગુમાવ્યાના દુઃખ વેળા સ્મશાનગૃહમાં થતી ગેરરીતી સામે લોકોએ રકઝકમાં ઉતરવાનું ટાળ્યું હતુ. તેનો લાભ લઇને જ કોન્ટ્રાકટર તેની મનમાની કરે છે. એટલે અંતિમધામમાં મોતનો મલાજો નહીં જાળવનારો કોન્ટ્રાકટર ભાજપનો જ કાર્યકર હોવાથી તેની સામે કડક પગલા ભરવાના બદલે મ્યુનિ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની ચર્ચા તેજ બની છે.
મને ખબર નથી’ કહીને હાથ અધ્ધર કરી દીધા
શહેરના વાડજ સ્મશાનગૃહમાં બપોરના સુમારે હૃદય રોગથી મૃત્યુ પામેલી મહિલાની અંતિમવિધી માટે પરિવારજનો આવ્યા હતા. ત્યારે સ્મશાનગૃહમાં વજનકાંટો ભંગારમાં પડેલો હતો અને ત્યાંના સ્ટાફે પુરેપુરી રકમ લઇને અંદાજે લાકડાનો જથ્થો આપ્યો હતો. આ અંગે પરિવારજનોએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, વજન કર્યા વિના જ લાકડા આપ્યા અને ચિતા ઉપર લાકડા ગોઠવવા માટે અલગથી નાણાં પણ માંગ્યા હતા.
આ અંગે અમે મ્યુનિ.ના એક અધિકારીનું ધ્યાન દોરતાં તેમણે’આજે જ આવ્યો છું મને ખબર નથી’ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા. અમારુ એટલુ જ કહેવું છે કે સ્મશાનગૃહમાં આવનારા લોકોને સ્વજન ગુમાવ્યાનું દુઃખ હોય ત્યારે તેઓ અંતિમવિધી માટે કેટલા લાકડા લાવ્યા ? વજનકાંટો ક્યાં છે ? જેવા મુદ્દે સવાલ ના કરે તે સ્વભાવિક છે. પરંતુ માનવીય અભિગમ અપનાવીને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તા પક્ષના અગ્રણીઓ આ બાબતે કડક કાર્યવાહી કરવી જોઇએ.
પગલાં લેવાની આખી દરખાસ્ત જ ઉડાડી દીધી
છ માસ પૂર્વે મ્યુનિ.ની હેલ્થ કમિટીમાં એવું કામ આવ્યું હતું કે એક જ વ્યક્તિ અલગ-અલગ બે સંસ્થાઓ ચલાવે છે અને મ્યુનિ. સ્મશાનમાં લાકડાં આપવાનું કામ કરે છે. પરંતુ તે પુરા વજનથી લાકડાં આપતો નથી તેમજ વધારાના નાણા પડાવે છે. આથી તેમની સામે પગલાં લેવામાં આવે. પરંતુ આ સંસ્થા સંચાલક ભાજપનો કાર્યકર્તા નીકળતાં હેલ્થ કમિટીએ તેમની સામે પગલાં લેવાની આખી દરખાસ્ત જ ઉડાડી દીધી હતી.