ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

ઓપરેશન કાવેરી : છેલ્લા 24 કલાકમાં સુદાનથી 550થી વધુ ભારતીયોને બહાર લવાયા, 4 હજારથી વધુ ભારતીયો 

  • ભારત સરકારનું ‘મિશન કાવેરી’ શરૂ કરવામાં આવ્યું
  • અત્યાર સુધીમાં 427 લોકોના મૃત્યુ, 3700 ઘાયલ
  • 27 એપ્રિલની મધરાત 12 સુધી 72 કલાકનો યુદ્ધવિરામ

વિશ્વમાં હાલ અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સુદાનમાં આંતરિક ગૃહયુદ્ધ ચાલુ થયું છે. સુદાનમાં સેના અને પેરામિલિટરી ફોર્સ (RSF) વચ્ચે 15 એપ્રિલે લડાઈ શરૂ થઈ હતી. યુએન અનુસાર આ લડાઈમાં અત્યારસુધીમાં 427 લોકોનાં મોત થયાં છે, જ્યારે 3700 લોકો ઘાયલ છે. સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામ બાદ રાજધાની ખાર્તૂમ સહિત દેશના અન્ય ભાગોમાં અથડામણ શરૂ છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત 550થી વધુ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમને સાઉદી અરેબિયાના જેદ્દાહ લાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩ બેચમાં 561 લોકોને જેદ્દાહ લાવવામાં આવ્યા છે. સુદાનમાં 4 હજારથી વધુ ભારતીયો રહે છે.

ભારત સરકારનું ઓપરેશન કાવેરી

સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત રીતે ભારત લાવવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ‘ઓપરેશન કાવેરી’ની પ્રથમ બેચમાં 278 ભારતીયને નવી જહાજ INS સુમેધા દ્વારા પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી ભારતીય વાયુસેનાના C-130J વિમાન દ્વારા 148 અને 135 ભારતીયને જેદ્દાહ લાવવામાં આવ્યા હતા. હવે તેમને ટૂંક સમયમાં એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવશે.

એસ. જયશંકરે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. લગભગ 500 નાગરિકોને પોર્ટ સુદાન લાવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેટલાક નાગરિકો ત્યાં પહોંચવાના છે. અમે એને ‘ઓપરેશન કાવેરી’ નામ આપ્યું છે. અમારાં જહાજો અને વિમાન ભારતીયોને પરત લાવવા માટે તૈયાર છે. અમે અમારા નાગરિકોને મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. સુદાનમાં રહેલા ભારતના તમામ નાગરિકોને પરત લાવીશું.

અત્યાર સુધીમાં 459 લોકોનાં મોત

તાજેતર સુદાનમાં સેના અને પેરામિલિટરી ફોર્સ (RSF) વચ્ચે સત્તા માટે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ 15 એપ્રિલે શરૂ થયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, લડાઈમાં અત્યારસુધીમાં 459 લોકો અને સૈનિકોનાં મોત થયાં છે. 4,072 લોકો ઘાયલ થયા છે. સુદાનમાં 27 એપ્રિલની મધરાત 12 સુધી 72 કલાકનો યુદ્ધવિરામ છે. આ દરમિયાન અન્ય દેશો માટે તેમના નાગરિકોને અહીંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. અન્ય દેશો હાલમાં તેમના નાગરિકોને પોતાના દેશમાં લઇ જવાની કામગીરી હાલમાં ચાલુ છે.

અન્ય દેશોએ કામગીરી શરૂ કરી

અન્ય દેશોન વાત કરીએ તો રાત્રે શરૂ થયેલા યુદ્ધવિરામને કારણે ઘણા દેશો તેમના લોકોને ઝડપથી બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે જેમાં ચીને તેના નાગરિકોના પ્રથમ જૂથને સુદાનમાંથી બહાર કાઢ્યું છે. હવે 1500 વધુ લોકો ત્યાં ફસાયેલા છે. અત્યાર સુધી માત્ર સ્પેન, જોર્ડન, ઈટાલી, ફ્રાન્સ, ડેનમાર્ક સુદાનમાંથી પોતાના લોકોને બહાર કાઢવામાં સફળ થયા છે.

સુરક્ષા પરિષદના દેશોને યુદ્ધ રોકવા માટે અપીલ

સુદાનમાં ચાલી રહેલા યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 દેશને સુદાનમાં શાંતિ સ્થાપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે 72 કલાકનો ઉપયોગ સુદાનને લોકશાહીના માર્ગ પર લાવવા માટે કરવો જોઈએ. યુએન સુરક્ષા પરિષદ આજે સુદાનની સ્થિતિ પર બેઠક યોજશે. સુદાનમાં શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

Back to top button