બનાસકાંઠા : તંત્ર એલર્ટ, જિલ્લામાં 28 અને 29 તારીખે કમોસમી વરસાદ પડવાની આગાહી
પાલનપુર : બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં કમોસમી વરસાદની આગાહીને લઇ જિલ્લાના ડિઝાસ્ટર વિભાગે પત્ર જાહેર કર્યો છે. જિલ્લાના 28 અને 29 બે તારીખ દરમ્યાન કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી છે. જિલ્લાના તમામ માર્કેટયાર્ડ સહીત ખેડૂતોને સતર્ક રહેવા કરાઈ તાકીદ કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત આફતની આગાહી આપવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા હવામાન વિભાગ અમદાવાદ 25 એપ્રિલ 2023ના ઈ-મેઈલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લામાં 28 અને 29 એપ્રિલ 2023ના રોજ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલા અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તે માટે તકેદારી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત ખેડૂતોને પણ ખેતરમાં સૂકો ઘાસચારો ઢાંકી દેવા તેમજ શાકભાજી સહિત ખેતીનો મોલ બચાવવા તકેદારી રાખવા જણાવ્યું છે. આ વર્ષે રવિ સિઝનમાં ત્રણ વખત તેમજ ઉનાળુ સિઝનમાં એક વખત વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે.ત્યારે હવે ફરીથી વરસાદની આગાહી થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ જવા પામી છે.