- ગુરૂ શરદ પનોતે હોનહાર વિદ્યાર્થીની જીંદગી બગાડી
- ઘરેથી માત્ર રૂ.50 લઈને નિકળતો મીલન કરોડોના કૌભાંડમાં ફ્સાયો
- મેડીકલમાં એડમીશન મળ્યું પણ ફી ભરવા પરિવાર પાસે પૈસા ન હતા
ભાવનગર જિલ્લાના સરતાનપર-કોબડી ગામે રહેતા મજુર પરિવારના એક હોનહાર વિદ્યાર્થીની જીંદગી તેના જ ગુરૂની બદોલત બગડી છે. અને આજે કરોડોના ડમી પરિક્ષાર્થી કૌભાંડમાં મુખ્ય આરોપી બન્યો છે. ત્યારે તેનો પરિવાર ચોધાર આંસુ સાથે રડી રહ્યો છે. એક ગુરૂ જીવનની નૈયા પાર કરે છે. પરંત ગુરૂ શરદ પનોતે તેના જ ચેલાની જીંદગી ડુબાડી દીધી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટતા તંત્ર આકરા પાણીએ
ઘરેથી રૂા.50 ભાડુ લઈને નિકળતો મીલન ઘુઘા કરોડોના ચકરડામાં ફ્સાયો
ઘરેથી રૂા.50 ભાડુ લઈને નિકળતો મીલન ઘુઘા કરોડોના ચકરડામાં ફ્સાયો છે. અને જેલવાસ ભોગવી રહ્યો છે. એકદમ ગરીબી પરીવારમાંથી આવતો મિલન એટલો હોશિયાર હતો કે, તેને વડોદરામાં મેડિકલમાં એડમીશન મળી ગયુ હતું. પરંતુ તેના પરિવાર પાસે ફી ભરવાના પણ પૈસા ન હતા. જેને લઈ એક હોનહાર વિદ્યાર્થી ડોકટર બનતા તો રહી ગયો પણ તેણે અનેક લોકોને ગર્વમેન્ટ નોકરી કરતા કરી દીધા છે. ભાવનગરના શિક્ષણ જગતના લીરેલીરા ઉડાડતા ડમી પરીક્ષાર્થી કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની જ ચર્ચા થતી જોવા મળી રહી છે. એક જ ડમી પરીક્ષાર્થી મીલન ઘુઘાએ અલગ અલગ પરીક્ષાઓમાં ડમી તરીકે બેસી પાસ કરી હતી. ધો. 12 સુધી અભ્યાસ કર્યા બાદ તેણે અનેક સરકારી પરીક્ષાઓ પણ આપી હતી અને પાસ પણ કરી હતી.
ગુરૂ શરદ પનોતે જીંદગી બગાડી
મીલન ઘુઘાભાઈ બારૈયાનો પરિવાર સરતાનપર ગામમાં વસે છે. અને મજુરી કામ કરી રહ્યો છે. આજે મીલનને જેલ હવાલે કરાયો છે. ત્યારે તેના માતા ચોધાર આંસુએ રડી રહ્યા છે. અને દિકરાને જોવા માટે તલપાપડ બન્યા છે. માતાએ ભારે હૈયૈ જણાવ્યું હતું કે, તેના દિકરાને ફ્સાવી દેવાયો છે. તેના જ ગુરૂ શરદ પનોતે જીંદગી બગાડી છે. મીલન પાસે તો પૈસા પણ ન હતા. રોજ 25-25 રૂપિયા ભાડુ થતું તે પણ તે અમે આપતા હતા. રોજના 50 તે ઘરેથી લઈ જતો હતો. તેના દિકરાને તેણે કેટલા દિવસથી જોયો પણ નથી, વાત કરતા મીલનની માતાના આંખોમાંથી આંસુ સુકાતા ન હતા.
મારા દિકરાને ધાક ધમકી કે બ્લેકમેઈલ કરીને ઉંધા રસ્તે ચડાવ્યો
જ્યારે તેના પિતા ઘુઘાભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, મીલન ધો. પાંચથી જ શરદ પનોત પાસે ભણતો હતો. તેણે જ મારા દિકરાને ધાક ધમકી કે બ્લેકમેઈલ કરીને ઉંધા રસ્તે ચડાવ્યો છે. મારો દિકરો ખુબ હોશિયાર હતો. આખુ ગામ મને કહેતું કે, તેને ભણાવતો. પણ આગળ અભ્યાસ કરે તે પહેલા તેના ગુરૂએ જ જીંદગી બગાડી નાખી છે. તેમ શરદ પનોત સામે આક્રોશ સાથે હૈયાવરાળ એક પિતાએ કાઢી હતી. પરંતુ એક વાત તો ચૌકકસ છે કે, ગુરૂ રાહ દેખાડે છે. પરંતું અહીં તો ગુરૂએ જ તેના ચેલાને અવળે રસ્તે ચડાવ્યાનું બહાર આવ્યું છે. જેને લઈ એક શિક્ષક સામે જ ફ્ટિકારની લાગણી વરસી રહી છે.