હાટકેશ્વર બ્રિજ : ઈજનેરોને બચાવવા માત્ર ખાતાકીય કાર્યવાહી, કોન્ટ્રાક્ટરે આગોતરા જામીન માંગ્યા
હાટકેશ્વર બ્રિજમાં ગેરરીતિ મામલે તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ કોન્ટ્રાકટરને મુખ્ય આરોપી બનાવી તંત્રના અધિકારીઓ પર માત્ર ખાતાકીય કાર્યવાહી કરી ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર પ્રશ્નો થઈ રહ્યા હતા ત્યારે હવે વર્ષે હજારો કરોડનું ટર્નઓવર કરતી અને બે મોટા એવાર્ડ મેળવી ચૂકેલ કન્સ્ટ્રક્શન કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરના માલીકોએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. બ્રિજમાં ગેરરીતિ સબબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પર FIR કરવામાં આવી છે પણ અહી મુખ્ય સવાલ એ છે કે આ કન્સ્ટ્રક્શન કંપની જ્યારે હાટકેશ્વર બ્રિજનું કામ કરી રહી હતી ત્યારે લાગતા વળગતા ઇજનેરો દ્વારા તેની તકેદારી નઈ રખાઇ હોય ? શું તે સમયે ક્યૂબના ટેસ્ટ નહિ કરાવ્યા હોય ? આ ફિલ્ડના(માર્ગ અને મકાન વિભાગના) કેટલાક નિષ્ણાતો સાથે આ બાબતે વાત કરતાં એવું માલૂમ પડેલ કે બ્રિજ મામલે હાલ અમદાવાદ મ્યુનિસિપલ જે કાર્યવાહી કરી રહી છે તેમાં સૌથી પહેલા જે અધિકારીઓ દ્વારા આ બ્રિજનું બિલ પાસ કર્યું તે તમામ પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી એટલા માટે થવી જોઈએ કેમ કે કોઈ પણ સરકારી રોડ રસ્તાનું કામ શરૂ થાય ત્યાંથી લઈ પુરુ થાય ત્યા સુધી જે તે વિભાગ દ્વારા તે કામની ગુણવત્તાને લઈને અનેક ચકાસણીઓ કરવામાં આવતી હોય છે અને તે બાદ જે તે કોન્ટ્રાકટરને તેનું પેમેન્ટ કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં 4 મેથી UG-PG પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે
ત્યારે હવે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેમ તેમના અધિકારીઓ પર માત્ર ખાતાકીય કાર્યવાહી કરી અને માત્ર કોન્ટ્રાકટર પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે તેને લઈ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. હવે આગામી સમયમાં આ મામલે અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.