- સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ ફરિયાદ નોંધાવી
- ગોએન્કાએ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા કરી હતી છેતરપિંડી
- SBI બેન્કમાંથી રૂ.405 કરોડની લીધી હતી લોન
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બિઝનેસમેન પ્રમોદ ગોએન્કા વિરુદ્ધ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) ને 405 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. ડીબી રિયલ્ટીના મેનેજિંગ ડિરેક્ટર વિનોદ ગોએન્કાના ભાઈ પ્રમોદ ગોએન્કા હજુ પણ ગુમ છે. પ્રમોદ ગોએન્કા અને તેમની કંપની યશ જ્વેલરી વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. CBI અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી.
2014માં તમામ રકમ નોન-પરફોર્મિંગ એસેટ જાહેર કરાઈ હતી
એસબીઆઈએ યશ જ્વેલરીને લોન આપી હતી, જે કંપનીએ ચૂકવી ન હતી અને 2014માં આ રકમને નોન-પરફોર્મિંગ એસેટ (NPA) તરીકે જાહેર કરવામાં આવી હતી. SBIની ફરિયાદ પર, CBIએ પ્રમોદ ગોએન્કા, રુસ્તમ એરીઝ ટાટા અને અનંત એલ પ્રભુદેસાઈ વિરુદ્ધ ગુનાહિત કાવતરું દ્વારા બેંકમાંથી રૂ.235 કરોડની લોન મંજૂર કરવા બદલ કેસ નોંધ્યો હતો. બેંકને કુલ 405 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
પ્રમોદ ગોએન્કા ફેબ્રુઆરી 2018થી ગુમ
એસબીઆઈએ જણાવ્યું કે યશ જ્વેલરીની સ્થાપના 2007માં ન્યૂયોર્ક સ્થિત કંપની એન્ડિન ઈન્ટરનેશનલ ઈન્કના સહયોગથી કરવામાં આવી હતી. યુએસ કંપનીનો તેમાં 40 ટકા હિસ્સો હતો, પરંતુ પછીથી તેને 2008માં પ્રમોટરો દ્વારા ખરીદી લેવામાં આવ્યો હતો. ડીબી રિયલ્ટીમાં પણ તેમનો હિસ્સો છે. પ્રમોદ ગોએન્કા ફેબ્રુઆરી 2018થી ગુમ હોવાનું કહેવાય છે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે મોઝામ્બિકમાં એક આફ્રિકન ગેંગ દ્વારા ગોએન્કાનું અપહરણ કરવામાં આવ્યું હતું.