બનાસકાંઠા: ડીસામાં હોસ્પિટલના સંચાલકોએ સરકારી રસ્તો પચાવી પાડ્યો; તપાસ કરતા રોડ પર ઓરડીઓ બનાવી ગેટ લગાવી દીધો
પાલનપુર: ડીસામાં સાંઈબાબા મંદિર પાછળ હોસ્પિટલના સંચાલકોએ રસ્તાની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે જાગૃત નાગરિકે ફરિયાદ કરતા હોસ્પિટલના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
ડીસામાં સાંઈબાબા મંદિર પાછળ સીટી સર્વે નંબર 318માં એક રસ્તો નીકળે છે. જે રસ્તાની બાજુમાં જ ભણસાલી હોસ્પિટલ આવેલી છે. જોકે ભણસાલી હોસ્પિટલના સંચાલકોએ આ રસ્તા પર ગેરકાયદેસર દબાણ કર્યું છે અને રસ્તા પર ઓરડીઓ બનાવી બંને બાજુ ગેટ લગાવી દઈ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું જણાતા ડીસાના જાગૃત નાગરિક હરેશ ઠક્કર અને દરગાજી સુંદેશાએ આ મામલે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી.
જાગૃત નાગરિકોએ ફરિયાદ કરતા જ જિલ્લા કલેક્ટરે ડીસા નગરપાલિકા અને સીટી સર્વે સુપ્રીન્ડેન્ટને આ મામલે તપાસ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના અનુસંધાને ડીસા સીટી સર્વે સુપ્રીન્ટેન્ડેન્ટ કચેરીના અધિકારીઓએ તપાસ કરતા સીટી સર્વે નંબર 318માં આવેલ રસ્તાની જમીન પર ભણસાલી ટ્રસ્ટના સંચાલકોએ બંને બાજુ ગેટ મૂકી દઇ ઓરડીઓ બનાવી ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
જેથી સીટી સર્વેના અધિકારીઓએ આ અંગેના પંચનામાં સહિતની વિગતો કલેક્ટર કચેરીએ મોકલી આપી છે. ત્યારે હવે હોસ્પિટલના સંચાલકોએ જાહેર રસ્તાની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતાં બંને જાગૃત નાગરિકોએ દબાણ કરનાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે.
આ પણ વાંચો :કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ, હવે અસહ્ય ગરમીથી છુટકારો