પાટડીના વેરાન વિસ્તારમાં 5 હજાર વૃક્ષોની લીલી ચાદર, 75 વર્ષીય દંપત્તિની મહેનત લાવી રંગ
લીલુછમ રણ… આ શબ્દ ભલે વિરોધાભાસી હોય પણ ગુજરાતના સુરેન્દ્રનગરના જિલ્લામાં પાટડી નજીક ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં પાટણના એક દંપત્તિએ આ રણમાં હરિયાળી સર્જી છે. સુરેન્દ્રનગરના જિલ્લાનો પાટડી વિસ્તાર એટલે જોજનો સુધી રણનો ઓછાયો. સામાન્ય રીતે આપણે આંખ પર હથેળીનો પડદો કરીને રણને જોવા ટેવાયેલા છીએ, પણ અંહી તો રણની રેતીમાં પડતા સૂર્યના કિરણો જ એટલા તેજથી પરિવર્તિત થતા હોય છે કે આપણી આંખો અંજાઈ જાય. રણમાં દેખાતુ મૃગજળ ભલે પાણીની ભ્રામકતા ઉંભી કરતું હોય પણ પાટણના 75 વર્ષીય દંપત્તિએ પાટડીના દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ માત્ર બે મહિનાના ટુંકાગાળામાં 5 હજારથી વધુ વૃક્ષો વાવીને સૂકા રણને એક વાસ્તવિક લીલી ચાદર ઓઢાડી છે.
જીવનના 75 વર્ષ વટાવી ચુકેલા દિનેશભાઈ ઠાકર અને દેવેન્દ્રાબેન ઠાકર આમ તો પાટણ જિલ્લાના રહેવાસી છે, પણ તેમનો પ્રકૃતિ પ્રેમ એમને સુરેન્દ્રનગર જિલ્લાના આ ખારાપાટ વિસ્તારમાં ખેંચી લાવ્યો છે. આ દંપત્તિ નિવૃત્તિ પછી અહીં સાચા અર્થમાં પ્રવૃત્ત થયું છે. વૃક્ષ ઉછેરનો શોખ તેમને આગવી ઉર્જા આપે છે. સુરેન્દ્રનગરના જિલ્લાનો આ વિસ્તાર આમ તો ગાંડા બાવળ માટે જાણીતો છે.. અને તેમાં ભળે છે કૂદરતી વિષમતાઓ. એટલે અંહીથી કંઈ પામી શકવાની શક્યતાઓ અત્યંત નહીવત છે. જો કે અહીંના સ્થાનિક વૃક્ષ ગણાતા લીમડા અને વરખના જતન માટે પણ સંસ્થા અને સરકાર સિવાય કોઈ પ્રયાસ નથી કરતુ. એ અર્થમાં સ્થાનિક લોકોમાં વૃક્ષના વાવેતર, ઉછેર અને જતન માટે જાગૃતિનો અભાવ જોવા મળે છે. ત્યારે ઠાકર દંપત્તિએ વૃક્ષોને પોતાના બાળકની જેમ વાવ્યા અને ઉછેર્યા પણ છે.
દિનેશભાઈ ઠાકર કહે છે કે, ‘હું છેલ્લા 45 વર્ષથી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છુ. મેં અત્યાર સુધી અંદાજે 1.50 લાખ વૃક્ષો જૂદી જૂદી જગાએ વાવ્યા છે. પાટડી નજીક દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટની પર્યાવરણ જાળવણીની પ્રવૃત્તિ જોઈને હું અને મારા પત્ની બન્નેએ લગભગ બે માસ જેટલું અપ-ડાઉન કરીને ત્યાં ૫ હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકર દંપત્તિ શિક્ષક તરીકેની કારકિર્દી પુર્ણ કરી નિવૃત્ત થયુ છે. પર્યાવરણ જાળવણી-વૃક્ષો વાવવા, અગરિયાઓના કલ્યાણ માટે સદાય તત્પર એવા શ્રી દિનેશભાઈ ઠાકરને અત્યાર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે 12 જેટલા એવોર્ડ પણ મળી ચુક્યા છે. પાટણ નજીક બેચરાજી પાસે નિસર્ગટ્રસ્ટ ચલાવતા દિનેશભાઈ ઠાકર કહે છે કે, લોકભારતી સસ્થામાંથી હું આચાર્ય તરીકે 15 વર્ષ પહેલા નિવૃત્ત થયો છુ… ત્યાર બાદ મેં 5 વિઘા જમીનમાં સંખ્યાબંધ વૃક્ષો વાવ્યા છે. મારા ફાર્મમાં 400 જેટલા મોર ઉપરાંત પોપટ,હોલા, ચીબરી,સુઘરી, દરજીડો, ખીસકોલી, કાચીંડા, ઘો, સાપ જેવા 2 હજાર જેટલાપક્ષીઓ-સરિસૃપ આવે છે. એમને અત્યાર સુધી અંદાજે રૂપિયા 1 કરોડનું ચણ નાંખ્યુ છે. હવે તો આ જ મારૂ પરિવાર છે…’
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ રાવલ કહે છે કે, આ સંસ્થા દ્વારા પર્યાવરણ-આરોગ્ય- મહિલા વિકાસ- શિક્ષણ-કૃષિ-પશુપાલન-રોજગાર જેવા અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે. ગુજરાતના જાણીતા સાહિત્યકાર સ્વ. મનુભાઈ પંચોળી (દર્શક)ને અંજલિ આપવાના ધ્યેય સાથે વર્ષ-2002માં સ્થાપાયેલી આ સંસ્થાએ લોકોને બીજા પર આધારિત બનાવવા કરતા લોકોને સક્ષમ એટલે કે પગભર બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૂરેન્દ્રનગરના પાટડી તાલુકામાં શરુ કરવામાં આવેલી આ સંસ્થા દ્વારા માનવ સેવા યજ્ઞ અંતર્ગત મહિલા આજીવિકા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે પાટડી, વાલેવડા અને મેરાગામડી એમ ત્રણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિધ્યાર્થિઓના સહકારથી લીમડા, દેશી બાવળ, મીઠી આંબલી જેવા વૃક્ષો વવાય છે. વન વિભાગના સહયોગથી આ વર્ષે પણ એક હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.