

રાજકોટમાં આગામી 17 જૂનના રોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 મેચ રમાવાનો છે ત્યારે આ મેચ માટે આજે ટીમ ઈન્ડિયા રાજકોટ આવી ગઈ છે. શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી હોટેલ હોટેલ સયાજીમાં તેઓને ઉતારો આપવામાં આવ્યો છે. એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ટીમ ખાસ બસ મારફત હોટેલ પહોંચી હતી. અહીં પરંપરાગત નૃત્ય ગરબાથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ ખેલાડીઓને કુમકુમ ટીલક કરી પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા. આવતીકાલે ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેકટીસ કરવા માટે જશે.




શું છે ખેલાડીઓ માટે સુવિધા ?
કાલાવડ રોડ પર આવેલી હોટેલ સયાજીમાં ટીમ ઇન્ડિયાને આવકારવા માટે લાલ જાજમ પાથરવામાં આવી છે. આ હોટેલમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન, ઉપકપ્તાન અને કોચ માટે અલાયદી સુવિધાઓ સાથેના પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ તેમજ ટીમના ખેલાડીઓને પ્રીમિયમ રૂમમાં ઉતારો આપવામાં આવ્યો છે. ઉપરાંત અહીં ખેલાડીઓના મનપસંદ વિવિધ ભોજન સાથે કાઠિયાવાડી ભોજન પણ પીરસવામાં આવનાર છે. આ ઉપરાંત ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા, ગાંઠિયા-જલેબી, વઘારેલો રોટલો અને ઢોકળીના શાકનો સ્વાદ પણ ચાખડવામાં આવશે. ખેલાડીઓના બ્રેકફાસ્ટ, લંચ-ડિનર માટે ખાસ શેફને રાજકોટ બોલાવવામાં આવ્યા છે.
પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતાની આગાહી
ગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મિટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે. જેના કારણે આગામી 17મીએ રાજકોટમાં યોજાનાર મેચમાં વરસાદ વિઘ્ન પાડી શકે છે. જો આવું થશે તો ભારતીય ટીમ અને મેચ જોવા માટે આવનાર દર્શકોનો ઉત્સાહ પડી ભાંગી શકે છે.