અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ : ગ્રામજનોના પ્રશ્નોનો ઉકેલ આપતો અનોખો ‘સ્વાગત’કાર્યક્રમ યોજાયો

નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોને ખુલ્લા મને સાંભળીને તેનો સંવેદનશીલતા સાથે નિકાલ લાવવાનો અનોખો કાર્યક્રમ એટલે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ,જેને ‘સ્વાગત’ઓનલાઇન કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોને સીધી રીતે અસર કરતાં પ્રશ્નોનો ઓનલાઇન ટેક્નોલોજીના માધ્યમથી મુખ્યમંત્રીની સીધી દેખરેખ નીચે સુખદ નિરાકરણ લાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં તેના નામ પ્રમાણે જ દરેક ‘સ્વાગત’ કરવામાં આવે છે, એટલે કે પ્રજાને પીડતા પ્રાણપ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.સાચું શાસન એ છે કે, જે પ્રજાના પ્રશ્નોને સમજે અને તેનો સંવેદનશીલતાથી નિકાલ આવે. જે પર પીડાને સમજી શકે તે સાચું શાસન છે તેની પ્રતીતિ રાજ્યના નાગરિકોને છેલ્લા બે દાયકામાં ‘સ્વાગત’ કાર્યક્રમ થકી થઇ રહી છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્યના નાગરિકોના અનેક પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી લોકાની અપેક્ષાઓની પૂર્તિ કરવામાં આવી છે.

કાર્યક્રમની શરુઆત ક્યારે થઈ ?

આ કાર્યક્રમની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 24પ્રિલ, 2003 ના રોજ કરી હતી અને વર્તમાનમાં સરળ અને છતાં મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યજ્ઞ અવિરત20 વર્ષથી ચાલી રહ્યો છે. આ બે દાયકામાં આ કાર્યક્રમથી તા.10-03-2023 સુધી 5.66 લાખ અરજીઓનું 99.૫૨ ટકાના દરે નિકાલ કરીને તેનું સફળ નિરાકરણ લાવવામાં આવ્યું છે.જે પૈકી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 36,848 અરજીઓ મળી છે.

કેબિનેટ બેઠક-humdekhengenews

કાર્યક્રમનો હેતુ

આ કાર્યક્રમ એ માત્ર ફરિયાદ રજૂ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ લોકો તેમની વ્યાજબી રજૂઆતો સીધી રીતે ટેક્નોલોજીના માધ્યમથી રજૂ કરી શકે અને સરકાર પક્ષે પણ ત્વરિતતા દાખવી મારાપણાના ભાવથી તેનો નિકાલ કરવામાં આવે તેની કાળજી લેવામાં આવે છે,એ દ્રષ્ટીએ આ કાર્યક્રમ દ્રિપક્ષીય સંવાદનો કાર્યક્રમ છે. ફરિયાદ નહીં પરંતુ ઉકેલનો તથા લોકો અને સરકાર વચ્ચે પરીણામલક્ષીતાનો આ કાર્યક્રમ છે. ‘સ્વાગત’ કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તર એક ચાર સ્તરમાં ચલાવવામાં આવે છે. જેમાં લોકશાહીના નાનામાં નાના એકમ એવા ગ્રમીણ સ્તરથી માંડીને શહેર સુધીના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ એક જ મંચ પરથી લાવવામાં આવે છે.

ગામડાઓના વિકાસ માટે પ્રયત્ન

એક સમય હતો કે લોકોને તેમના પ્રશ્નોને લઇને વિવિધ કચેરીઓ અને ત્યાંથી જો નિકાલ ન આવે તો છેક ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડતાં હતાં, પરંતુ ટેક્નોલોજીનો સહયોગથી તેનું સરળીકરણ કરી શકાયું છે અને લોકો પોતાના ઘરેથી આંગળીના ટેરવે તેમની રજૂઆતો, પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી તેનું સમાધાન મેળવી શકે છે.રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધીજી કહેતા હતા કે, સાચું ભારત ગામડાઓમાં વસે છે. આ વાત સાચી છે કારણ કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની મોટાભાગની વસતી ગ્રામ્ય સ્તરે નિવાસ કરે છે. જેમ-જેમ વિકાસ થતો જાય છે તેમ વિકાસ સાથે તેને લગતા પ્રશ્નો પણ ઉદભવે તે સ્વાભાવિક છે. આ સિવાય દેશ આઝાદ થયા બાદ આપણે જે લોકશાળીનું માળખું સ્વીકાર કર્યું છે તેમાં ગામને પ્રાથમિક એકમ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. જેના કારણે ગ્રામ્યસ્તરે પંચાયત અસ્તિત્વમાં આવતાં તેને લગતાં પ્રશ્નો પણ વિકાસ સાથે ઉદભવ્યા છે.

કાર્યક્રમ થકી લોકોના અનેક પ્રકારના પ્રશ્નોનુ નિવારણ

ગ્રામ્ય અને પંચાયત સ્તરે રેશન કાર્ડ, આધાર કાર્ડમાં નોંધણી અને તેમા સુધારો, વિધવા અને નિરાધાર પેન્શન, જમીનના હક્કમાં નામ નોંધણી તથા તેમાં સુધારો, વીજળી કનેક્શન, જમીનની માપણી, ઘરથાળના પ્લોટ, જમીનની વારસાઇ, પીવાનું પાણી, સિંચાઇ, સફાઇ, ઢોરવાડો, ગોચર, તળાવમાં દબાણ અને સ્વચ્છતાના નાના મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે. જેનું સરળતાથી નિરાકરણ આ ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ દ્વારા લાવવામાં આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં અને લોકતંત્રને સુદ્રઢ બનાવનારા આ નવતર અને સફળ આયામની પ્રશંસા થતી રહી છે. ગુજરાતના વહીવટી સુશાસન અને પ્રો-એક્ટિવ ગવનર્નન્સના ક્ષેત્રે પારદર્શિતા અને જવાબદેહીતાના આ સફળ પ્રયોગે દેશના વહીવટદારોનું પણ ખાસ ધ્યાન આકર્ષિત કર્યું છે. તેની સફળતાને ધ્યાને રાખીને વર્ષઃ 2003 થી શરૂ થયેલ આ કાર્યક્રમને યુનાઇટેડ નેશન્સનો પબ્લિક સર્વિસ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે.

કેબિનેટ બેઠક-humdekhengenews

બે દાયકામાં કાર્યક્રમને મળ્યું વ્યાપક જનસમર્થન

છેલ્લા બે દાયકામાં આ કાર્યક્રમને વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થયું છે. વર્ષઃ 2008 થી સ્વાગત ઓનલાઇનને જિલ્લા મથક અને સચિવાલય સુધી સીમિત ન રાખતાં તાલુકા એકમ સુધી તેનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેથી કરીને સમાજના તમામ વર્ગો અને વિસ્તારોનો તેમાં સમાવેશ કરી શકાય.આ કાર્યક્રમથી અનેક લોકોના પ્રશ્નો અને સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન થયું છે. રાજ્ય સરકાર જ્યારે આવા ઉપક્રમ દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરતી હોય તે જ સાચી લોકશાહીની પારાશીશી છે. લોકોનો સંતોષ એ જ રાજ્ય સરકારનો મુદ્રાલેખ હોય ત્યા સમસ્યાઓ માટે કોઇ સ્થાન રહેતું નથી. ખરા રામરાજ્યની કલ્પના આવા પ્રજાલક્ષી અભિગમથી સાકાર થતી હોય છે. રામરાજ્યમાં રાજા પ્રજા વચ્ચે જઇને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરતા હતાં. હવે, રાજ્ય સરકાર કેમેરાની નજરથી ઓનલાઇન રીતે પ્રત્યક્ષ રીતે સમસ્યાઓનું સમાધાન લાવે છે. વળી, આ સમાધાન માટે સ્વયં મુખ્યમંત્રીથી માંડીને વરિષ્ડ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે છે. આવા નિરાકરણને કારણે ભવિષ્યમાં પણ આ સમસ્યાઓ ઉદભવવાનો અવકાશ ઘટી જાય છે. ઉપરાંત, સૌને અનુકૂળ એવા નિષ્કર્ષ પર પહોંચી શકાય છે.

આ લોકોની સમસ્યાનું નિરાકરણ લવાયું

‘સ્વાગત’ કાર્યક્રમ દ્વારા ખરેખર લાભ મળ્યો હોય તેવા કિસ્સાઓની વાત કરીએ. જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના ખંભાલીયા ગામના પોપટભાઇ રાણાભાઇ ભૂવાની વાત છે. પોપટભાઇના ખેતરમાં ખંભાલીયાથી માંડવા નવા રોડ પ્લાનમાં નહીં હોવા છતાં પાછળથી સીમેન્ટના પાઇપ મૂકીને તેમના ખેતરમાં કુદરતી પાણીના વહેણ બદલી કૃત્રિમ રીતે પાણી ઉતારતા ખેતરનું ધોવાણ થતા કપાસનો પાક ધોવાઇ ગયો હતો. આ બાબતે મુખ્યમંત્રીની સૂચનાથી જરૂરી કાર્યવાહી હાથ ધરી 15 દિવસમાં તેમના પ્રશ્નનો નિકાલ લાવવામાં આવ્યો હતો.આવો જ એક બીજો કિસ્સો મહિસાગર જિલ્લાનો છે જેમાં ઉમારીયા, તા. કડાણાના પ્રભુભાઇ માવાભાઇ પટેલનો હતો. જેમાં ઉમારીયા દૂધ ડેરીથી તેમના ઘર સુધી જવા માટેના રસ્તામાં થયેલ દબાણ દૂર કરવા જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગતમાંથી હુકમ થયો હોવા છતાં પંચાયત દ્વારા કામગીરી થઇ ન હતી. આ બાબતે અરજદારની ફરિયાદ ‘સ્વાગત’ માં રજૂ થતાં ડી.એલ.આઇ.આર.ના પરામર્શમાં રહીને માપણી કરાવી20 દિવસમાં આ કારગીરી નિયમાનૂસાર પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી અને આ રીતે આ પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો. આવી જ રીતે અમરેલીના ધારી તાલુકાના નાગધા ગામના ખેડૂત ભનુભાઇ ઝીણાભાઇ કોટડિયાની સ્વતંત્ર માલિકીની ખેતીવાળી જમીનમાં જવાનો રસ્તો ખુલ્લો કરી આપવામાં આવ્યો હતો.

કચ્છ જિલ્લાના ચિત્રોડ (તા. રાપર) નો ધનજીભાઇ બેચરાભાઇ રાવળીયાએ રજૂઆત કરી હતી કે, લાકડીયા બનાસકાંઠા ટ્રાન્સકો લિમિટેડ વીજલાઇન પસાર કરી તેનું વળતર તેમને ચૂકવવાની કંપની ના પાડે છે. જ્યારે કે,પાવરગ્રીડ કોર્પોરેશન ડ્રોનથી વાયર પસાર કરે છે તો પણ ખેડૂતને ઉભા પાકનું વળતર ચૂકવે છે. આ બાબતે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કંપનીના અધિકારીઓને સૂચના આપી મળવાપાત્ર રકમ જમા કરાવવાં માટે સૂચના આપીને ખેડૂતને વળતર અપાવ્યું હતું. આવા અનેક પ્રકારના પ્રશ્નો, રજૂઆતો અને સમસ્યાઓ ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવે છે. આ તમામ પ્રશ્નો અસરગ્રસ્ત અને અસરકર્તા તમામ લોકોને એક જ પ્લેટફોર્મ પર રાખીને સુખદ સમાધાન લાવવામાં આ કાર્યક્રમ પરિણામલક્ષી પુરવાર થયો છે. લોકોને પારદર્શક વહીવટની સાચા અર્થમાં પ્રતીતિ થઇ છે. તેના અમલ કરનારૂ સમગ્ર વહિવટી તંત્ર પણ પ્રશ્નો ઉકેલવા માટે પ્રોએક્ટિવ એપ્રોચ દાખવતુ બન્યું છે. તંત્રમાં ગતિશીલતા આવી છે.તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલા ‘સ્વાગત’નું લાખો ગુજરાતીઓએ દીલથી સ્વાગત કર્યું છે એ જ એની સફળતાનો માપદંડ છે.

આ પણ વાંચો : ગોધરામાં રખડતા શ્વાનનો આતંક , એક સાથે 15 લોકો પર હુમલો

Back to top button