બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં મંત્રી બચુભાઇ ખાબડે માતાજીના દર્શન, પૂજા અર્ચના કરી મંદિર પરિસરમાં સફાઇ કરી
પાલનપુર: વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષસ્થાને સફાઇ અભિયાન યોજાયું હતું. મંત્રીએ વહેલી સવારે માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી અંબાજી મંદિર પરિસરમાં સફાઇ કરીને, શક્તિ દ્વાર ખાતે ફ્લેગ આપી આપણા પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ, સુંદર રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કરોડો શ્રધ્ધાળુઓની પરમ આસ્થા અને ભક્તિના કેન્દ્ર બિંદુ સમાન મા અંબાની પવિત્ર ભૂમિ અંબાજી સહિત ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામો સોમનાથ, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી જેવા 24 જેટલાં સ્થાનો પર આજે રાજ્ય સરકાર દ્વારા સફાઇ માટેનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં પ્રકૃતિના સાંનિધ્યમાં વસેલા શક્તિપીઠ અંબાજી ખાતે વરસે 1 કરોડથી પણ વધુ શ્રધ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. દર વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા આવી મા ના ચરણોમાં શીશ ઝુકાવે છે.
મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી કેન્દ્ર અને રાજ્ય સરકારે યાત્રાધામોની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય તે માટે સફાઇ પર વિશેષ ભાર મુક્યો છે. આજે સમગ્ર અંબાજી ગામને 4 ભાગોમાં વહેંચીને આ મહાઅભિયાનને પૂર્ણતા સુધી લઇ જવા માટે અધ્યતન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 273 જેટલાં સફાઇ કામદારો તથા જરૂરીયાત મુજબની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે યાત્રાળુઓ અને અંબાજીના રહેવાસીઓને અપીલ કરતા કહ્યું કે, આપણે આ સ્વચ્છતાના મહાઅભિયાનમાં જોડાઈને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ, સુંદર બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરીએ.જુના કચરાના નિકાલ માટે અંબાજીને રૂ.55 લાખ ફાળવાયા છે. આ વિસ્તારના ચેક ડેમ ઉંડા કરવા સુજલામ-સુફલામ યોજનામાં મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્યો કેશાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરૂણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે. કે. ચૌધરી, અગ્રણીઓ કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને સારી સંખ્યામાં માઇભક્તો તથા સફાઇ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :બનાસકાંઠા : સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા 400 બાળકોએ પાલનપુર સ્વસ્તિક સમર કેમ્પનો લાભ લીધો