બનાસકાંઠા: રસાણા નર્સિંગ કોલેજમાં પાણી સહિતની સુવિધાઓને લઈ હંગામો, છાત્રોનું વિરોધ પ્રદર્શન
પાલનપુર: ડીસાના રસાણા ગામે આવેલી નર્સિંગ કોલેજમાં છાત્રો છેલ્લા ઘણા સમયથી પાણી સહિતની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જે મામલે એનએસયુઆઈના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓએ સંચાલક મંડળને ઉગ્ર રજૂઆત કરી હતી.
ડીસાની રસાણા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજમાં 300થી પણ વધુ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના અભાવે છાત્રો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સિવાય સંચાલક મંડળ દ્વારા છાત્રો પાસેથી ટ્રાન્સપોર્ટેશનની ફી એડવાન્સમાં લેવામાં આવી છે. તેમ છતાં પણ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.
ચોવીસ કલાકમાં સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો કોલેજને તાળાબંધીની ચીમકી
જે મામલે વિદ્યાર્થીઓએ વારંવાર સંચાલક મંડળને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ મામલે કોઈ જ કાર્યવાહી, કે વિદ્યાર્થીઓની વાતને ધ્યાનમાં ન લેતા એનએસયુઆઈના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. કોલેજના સંચાલક મંડળને લેખિત આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને જો વિદ્યાર્થીઓની માગ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે અને સુવિધાઓની પૂર્તિ કરવામાં નહીં આવે તો કોલેજને તાળુ મારી ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ સમસ્યા અંગે વિદ્યાર્થી બાદલ વાઘેલા, ગાયત્રી પરમાર અને એનએસયુઆઇના મહામંત્રી ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે, કોલેજમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશનની ફી ઉઘરાવી છે, પરંતુ વિદ્યાર્થીઓના આવવા જવા માટેની કોઈ જ વ્યવસ્થા કરી નથી, જે માટે વારંવાર રજૂઆત કરી છે. અમે સંચાલક મંડળને રજૂઆત કરી છે. જો 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો કૉલેજને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરીશું.
આ પણ વાંચો :ChatGPT-4 મોબાઈલ પર બિલકુલ ફ્રી વાપરી શકો છો, જાણો- તેની આખી રીત