- PM મોદીને કેરળની મુલાકાત પહેલા મારી નાખવાની ધમકી
- 24 એપ્રિલે કોચ્ચિની મુલાકાત દરમિયાન હુમલો કરવાની ધમકી
- પત્ર મળતા કેરળમાં હાઈએલર્ટ જારી, સુરક્ષામાં વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 એપ્રિલે કેરળની મુલાકાતે જવાના છે. જ્યાં તેઓ યુવા સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન કેરળમાં વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવશે.ત્યાર બાદ મોદી કેરળમાં રોડ શો કરશે. આ રોડ શોમાં 50 હજારથી વધુ ભાજપના કાર્યકરો ભાગ લેશે. ત્યારે પીએને આ મુલાકાત પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો છે.
PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી
પ્રાપ્ત જાણકારી મુજબ કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેન્દ્રને એક પત્ર મળ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની બે દિવસીય મુલાકાત દરમિયાન જીવને જોખમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્ર મોકલનારે પીએમ મોદીની 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન મારી નાખવાની ધમકી આપી છે. 17 એપ્રિલે કેરળ બીજેપી હેડક્વાર્ટરમાં આવેલો આ પત્ર કેરળ પોલીસને સોંપવામાં આવ્યો છે. મોકલનારનું નામ જોસેફ જોની છે, જે કોચ્ચીનો રહેવાસી છે. જોકે પોલીસ પૂછપરછ દરમિયાન જોનીએ આવો કોઈ પત્ર મોકલ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો.
સુરક્ષા પગલાં અંગે 49 પાનાનો અહેવાલ લીક
પાર્ટીના પ્રમુખ કે સુરેન્દ્રને જણાવ્યું હતું કે કેરળ પોલીસના ટોચના ગુપ્તચર અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુરક્ષા પગલાં અંગે 49 પાનાનો અહેવાલ લીક થયા બાદ સુરક્ષામાં ગંભીર ખામી જોવા મળી હતી. રિપોર્ટમાં તેમની મુલાકાત દરમિયાન લેવામાં આવનારા તમામ પગલાં અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભૂમિકાની વિગતો આપવામાં આવી છે અને હવે રિપોર્ટ લીક થતાં નવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. વધુમાં સુરેન્દ્રને કહ્યું કે, અમે પોલીસને ધમકી પત્ર સોંપ્યો છે. કેરળ પોલીસના એક ગુપ્તચર અહેવાલમાં રાજ્યમાં આતંકવાદી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ ચોંકાવનારું છે.
કેરળમાં હાઈ એલર્ટ જારી
પીએમને ધમકીભર્યા પત્ર બાદ કેરળમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં દરેક પગલા પર નજર રાખવામાં આવી રહી છે. કેરળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને પોલીસે કેરળમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અહી આવતા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામા આવી રહી છે. તેમજ બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધારી દેવામા આવ્યું છે. કેન્દ્રીય એજન્સીઓ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છએ.
આ પણ વાંચો : અતીકનું આતંકવાદી કનેક્શન : અલ કાયદાનો પત્ર-‘અતીક-અશરફની હત્યાનો બદલો લઈશું’