બનાસકાંઠા: ડીસાના ભીલડીમાં આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને નોટીસ આપી દંડ ફટકાર્યો
પાલનપુર: ડીસા તાલુકાના ભીલડી ગામે આરોગ્ય વિભાગની ટીમોએ અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને ઝડપાયેલા અખાદ્ય ચીજ વસ્તુઓ અંગે નોટીસ આપી દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ ચીજવસ્તુઓ નહીં વેચવા વેપારીઓને તાકીદ કરી હતી.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી
ડીસા તાલુકાના ભીલડી મથકે આરોગ્ય વિભાગે બજારમાં અખાદ્ય ચીજ વસ્તુઓના વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં બે અલગ- અલગ ટીમો બનાવી ફરસાણની દુકાનો, નાસ્તાની લારીઓ, ઠંડા પીણાંના પાર્લરો તેમજ કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું.
બજારમાં ખુલ્લામાં વેચતા ફરસાણમાં તળવા માટે થતાં એક જ તેલના વારંવારનો ઉપયોગ, પકોડીની લારીઓ પર સડેલા બટાકા, કાર્બેટથી પકવેલી કેરીઓ, હોટેલો પર એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણા અને ફરસાણના પેકિંગ તેમજ હાથમાં મોજા પહેરવા સહિત સ્વરછતાને લઇ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ક્ષતિ જણાતા વેપારીઓને નોટિસ આપી 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ વેપારીઓને આવી હલકી ગુણવત્તાવાળી અને અખાદ્ય ચીજ વસ્તુઓ નહીં વેચવા માટે તાકીદ કરી હતી.
આ પણ વાંચો :સત્યપાલ મલિક પર ભડક્યા અમિત શાહ, કહ્યું- ‘સત્તામાં રહીને અંતરાત્મા કેમ ન જાગ્યો’