સત્યપાલ મલિક પર ભડક્યા અમિત શાહ, કહ્યું- ‘સત્તામાં રહીને અંતરાત્મા કેમ ન જાગ્યો’,
સત્યપાલ મલિક પર અમિત શાહે શાબ્દિક પ્રહાર કર્યા.જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને CBI દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ગવર્નરશિપ દરમિયાન 300 કરોડ રૂપિયાની લાંચ આપવાના મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે. હવે આ બધા વચ્ચે રાજકારણ પણ તેજ થઈ ગયું છે. કોંગ્રેસનો આરોપ છે કે તેણે પુલવામા હુમલા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, તેથી તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા.ત્યારે, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ આરોપો પર પલટવાર કર્યો છે.
અમિત શાહે પુલવામા પર સત્યપાલ મલિકના નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે સત્યપાલ મલિકને આ બધી વાતો ભાજપથી અલગ થયા પછી જ કેમ યાદ આવી. જ્યારે તેઓ સત્તા પર બેઠા હતા ત્યારે તેમનો આત્મા કેમ ન જાગ્યો? તેમણે કહ્યું કે ભાજપે એવું કંઈ કર્યું નથી જેને છુપાવવાની જરૂર છે.
આ પણ વાંચોઃ સત્યપાલ મલિક કેસમાં નવો વળાંક! કહ્યું- ‘હું જઈશ નહીં, CBI પોતે મારા ઘરે આવશે’
શું છે સમગ્ર મામલો?
સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે પુલવામા દુર્ઘટના કેન્દ્રના “નિષ્ક્રિય વલણ” ને કારણે થઈ હતી, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સેનાને એરલિફ્ટ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસનો આરોપ છે કે આ નિવેદનના કારણે તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને AAP નેતાઓએ પણ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી.
‘CBIએ સમન્સ મોકલ્યું હતું, કેન્દ્રને નહીં’
આરોપો પર અમિત શાહે કહ્યું કે સત્યપાલ મલિકને મોકલવામાં આવેલ સમન્સ કેન્દ્ર સરકાર તરફથી નહીં પરંતુ CBI તરફથી છે. અગાઉ પણ CBI સત્યપાલને બે-ત્રણ વખત સમન્સ પાઠવી ચૂકી છે. તેઓ આવા નિવેદનો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સત્તામાં ન હોય ત્યારે જ અંતરાત્મા કેમ જાગે છે.