ચારધામ યાત્રાના દ્વાર જે શિયાળામાં બંધ હતા તે આજે અક્ષય તૃતીયાના દિવસે ખુલી રહ્યા છે. 2023માં ચારધામ યાત્રા 22 એપ્રિલથી એટલે કે આજથી શરૂ થઈ રહી છે. ચાર ધામ યાત્રાના તમામ ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી 6 મહિના માટે બંધ હતા. આજથી, ભક્તો ચારધામ યાત્રા માટે જઈ શકશે અને દર્શન કરી શકશે. 22મી એપ્રિલે એટલે કે આજે ગંગોત્રી ધામ અને યમનોત્રી ધામના દ્વાર ખુલી રહ્યા છે. થોડા દિવસો બાદ કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર પણ ખોલવામાં આવશે. ગંગોત્રી ધામના દ્વાર આજે 22 એપ્રિલ 2023ના રોજ બપોરે 12.35 કલાકે ખુલવાના છે. ગંગા ઉત્સવ ડોલી 21 એપ્રિલે મુખવાથી મા ગંગાના શિયાળુ રોકાણ માટે ગંગોત્રી ધામ પહોંચશે. ગંગોત્રી ધામના દ્વાર ખોલતી વખતે સહસ્ત્રનામ, ગંગા લહરીનો પાઠ કરવામાં આવશે. ચાર ધામ યાત્રાના યમનોત્રી ધામના દ્વાર પણ આજે જ ખુલી રહ્યા છે. યમનોત્રી ધામના દરવાજા બપોરે 12.41 કલાકે ખુલશે. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર, યમનોત્રીને સૂર્યની પુત્રી અને યમની બહેન તરીકે વર્ણવવામાં આવી છે. પવિત્ર યમુના નદી અહીંથી નીકળે છે.
આ પણ વાંચો : Ahmedabad : આજે ધાર્મિક તહેવારો વચ્ચે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
કેદારનાથ ધામ ખોલવા માટે 25 એપ્રિલ 2023નો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે 6.20 કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. કેદારનાથ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં પણ સામેલ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાભારતના યુદ્ધ પછી પાંડવો તેમના ભાઈઓના મૃત્યુનું પ્રાયશ્ચિત કરવા અહીં આવ્યા હતા. કેદારનાથ ધામમાં બળદની પીઠના આકારમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે. ચાર ધામની યાત્રા માટે બદ્રીનાથ ધામના દ્વાર અંતમાં ખોલવામાં આવશે. બદ્રીનાથ ધામ 27 એપ્રિલે ખુલશે. તેના દ્વાર ખોલવાનો સમય સવારે 7.10 કલાકે નક્કી કરવામાં આવ્યો છે. બદ્રીનાથ ધામને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંના એક ઋષિ નર-નારાયણનું નિવાસસ્થાન માનવામાં આવે છે. બદ્રીનાથ ધામ વિશે એક દંતકથા છે. ‘જો જાયે બદરી, વો ના આયે ઓદરી’ એટલે કે બદ્રીનાથના દર્શન કરવાથી મોક્ષ મળે છે.