Ahmedabad : આજે ધાર્મિક તહેવારો વચ્ચે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
બે ધાર્મિક તહેવારો વચ્ચે આજે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અને 16 આસિસ્ટન્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (એસીપી) સહિત 5000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, ભગવાન પરશુરામની જન્મજયંતિની સાથે ઈદનો તહેવાર છે. પરશુરામ જયંતિ નિમિત્તે શહેરમાં છ મોટી રથયાત્રાઓ કાઢવામાં આવશે. જેના કારણે લોકો પણ દર્શન માટે ચોક પર એકઠા થશે.
આ પણ વાંચો : આજે પરશુરામ જયંતિઃ જાણો પરશુરામ ભગવાન સાથે જોડાયેલી રોચક વાતો
આ સિવાય શહેરમાં 450 મસ્જિદો અને ઇદગાહ છે. ઈદના તહેવારને કારણે આ તમામ સ્થળોએ નમાઝ પઢનાર લોકોની સંખ્યા પણ વધુ હશે. આ તહેવારો પર સંભવિત અથડામણને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો સાથે પણ બેઠક યોજાઈ હતી. 9 ડીસીપી, 16 એસીપી, પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર, 5000 પોલીસ કર્મચારીઓ, 3000 હોમગાર્ડ જવાનો, રિઝર્વ પોલીસ ફોર્સની 15 કંપની અને એસઆરપીની ત્રણ કંપનીઓ સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે.