- પૂર્વ રાજ્યપાલને 27 અને 28 એપ્રિલે હાજર થવા સુચના
- તપાસ એજન્સી તરફથી આ અંગે કોઈ પુષ્ટિ નહીં
- બે ફાઈલો પર સહી કરવા માટે 300 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાનો દાવો
સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને વીમા કૌભાંડમાં સમન્સ પાઠવ્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે સીબીઆઈ મારા દ્વારા નોંધાયેલા કેસની પૂછપરછ કરવા માંગે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સીએ પૂર્વ રાજ્યપાલને 27 અને 28 એપ્રિલે હાજર થવા માટે કહ્યું છે. જો કે તપાસ એજન્સી તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
300 કરોડની કરાઈ હતી ઓફર
વાસ્તવમાં, કેન્દ્રીય તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં બે પ્રોજેક્ટમાં ગેરરીતિનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ તેમને સમન્સ પાઠવ્યા છે. આ મામલાને લઈને પૂર્વ ગવર્નર મલિકે દાવો કર્યો હતો કે તેમને બે ફાઈલો પર સહી કરવા માટે 300 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. મલિકના આ દાવાને લીધે ખળભળાટ મચી ગયો છે અને અધિકારીઓ તેમજ એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
કોના દ્વારા રૂપિયાની ઓફર કરાઈ હતી ?
હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને મેઘાલયના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે આ ઓફર અંબાણી અને આરએસએસ સાથે સંકળાયેલ વ્યક્તિ પરની બે ફાઈલો ક્લિયર કરવાના બદલામાં કરવાની હતી, પરંતુ તેમણે સોદો રદ કર્યો. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવાનું કહ્યું હતું. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને તેમના દાવાની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવા કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. જેને હવે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.