ભાવનગર ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાની આખરે ધરપકડ, 1 કરોડની ખંડણી લીધાનો ધડાકો
- રેન્જ આઈજી ગૌતમ પરમારે સમગ્ર મામલે પત્રકાર પરિષદ સંબોધી
- યુવરાજ સહિત છ શખસો સામે નિલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો
- IPC 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
ભાવનગરના બહુચર્ચિત ડમીકાંડમાં આખરે વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય યુવરાજસિંહ જાડેજાની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. યુવરાજ ઉપર આ પ્રકરણમાં રૂપિયા 1 કરોડની ખંડણી લેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ અગાઉ સવારે 11 કલાકથી તેની આ પ્રકરણમાં પુછપરછ કરવામાં આવી રહી હતી. જેમાં આખરે તેની સામે નિલમબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે વધુ ખુલાસા પત્રકાર પરિષદ મારફત કર્યા હતા.
શું કહ્યું પત્રકાર પરિષદમાં રેન્જ આઈજીએ ?
મળતી માહિતી મુજબ, ડમીકાંડ મામલે આખરે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે રેન્જ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતો હતો. આ પ્રકરણમાં યુવરાજસિંહ જાડેજા ઉપરાંત શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે IPC 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.