- 19 થી 21 મે દરમ્યાન યોજાનાર શિબિરમાં પ્રધાનો – અધિકારીઓ ભાગ લેશે
- રાજ્યના સર્વાંગી વિકાસના વિવિધ મુદ્દે થશે મંથન
- લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિબિરનું આયોજન
લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી મે મહિનાની તારીખ 19 થી 21 દરમિયાન ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચિંતન શિબિર દરમિયાન રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના એજન્ડા પર કામકાજ હાથ ધરવામાં આવશે. મહદ અંશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાનારી આ ચિંતન શિબિર માટે ગરમીને ધ્યાનમાં રાખીને અન્ય વૈકલ્પિક સ્થળોની વિચારણા ચાલી રહી છે.
ગરમીને ધ્યાનમાં રાખીને સ્થળમાં ફેરફારના અવકાશ
આ શિબિરમાં જોડાનાર આશરે 300થી વધુ લોકોની એકી સાથે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અગાઉ જીએનએફસી વડોદરા, મહેસાણા રિસોર્ટ, તેમજ મહાત્મા મંદિર ખાતે આ ચિંતન શિબિરના આયોજન થયા છે, પરંતુ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને સ્થળમાં ફેરફારના અવકાશ સાથે આ ચિંતન શિબિરમાં વહીવટી તંત્ર આગળ વધી રહ્યું છે.
અનેક મુદ્દાઓનો એજન્ડા નક્કી કરાયો
હાલ રાજ્ય માટે કેટલાક મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત થયા છે. જેમાં પેપર લીક, ભરતી તેમજ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સને પ્રાથમિકતા આપીને એજન્ડા તૈયાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પેપર લીક કાંડ, ડમી કાંડ જેવા મુદ્દાઓને લઈને સરકારની છબી ખરડાઈ રહી છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ – ભાગ દ્વારા મોડ્યુલર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને વિવિધ સેશનમાં નિષ્ણાતોને આમંત્રણ આપવામાં આવશે.
ક્યાં ક્યાં પ્રશ્નો અંગે થઈ શકે છે ચર્ચા ?
શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી સુવિધાઓ તેમજ વહીવટી સુધારણા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જમીન મહેસુલ ક્ષેત્રને લગતા પ્રશ્નોને વહીવટી સુધારણા માટે મનોમંથન કરાશે. ખેડૂતોની બે ગણી આવક કરવાની છે, પણ આ વર્ષે તો ખેડૂતોને હાલ જે આવક મળે છે તેમાં અડધી મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સંચાલન, વિકાસ, પડકારો પર પણ વિચારો વ્યક્ત કરાશે. આરોગ્ય, શિક્ષણનું સ્તર, બાળકોના મળત્યુ, પ્રસૂતિ, જાતિ પ્રમાણ વગેરે વિષયો અંગે ચર્ચા કરવામાં આવશે.
રૂપાણી સરકારમાં મળી હતી શિબિર
આ શિબિરમાં સરકારના તમામ મંત્રીઓ અને સચિવ કક્ષાના અધિકારીઓ ભાગ લેશે. એક અંદાજ મુજબ 300થી વધુ લોકો આ ચિંતન શિબિરમાં ભાગ લેશે. છેલ્લે 2018માં વડોદરાના જીએનએફસી ખાતે વિજયભાઈ રૂપાણીની સરકારની ચિંતન શિબિર મળી હતી. જેમાં પારદર્શક વહીવટ અને નાગરિકો પ્રત્યે સંવેદનશીલતાના અભિગમને મહત્વ આપવામાં આવ્યું હતું. જે માટે 20 જેટલા માપદંડો પર કામ કરવાનું સૂચન થયું હતું.