બનાસકાંઠા: ડીસામાં કોમ્પ્યુટર કોચિંગ માટે આવતી સગીરાનો પીછો કરતા યુવક સામે ફરિયાદ
પાલનપુર: ડીસામાં એક ગામડામાંથી કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ માટે આવતી સગીરાનો એક શખ્સ પીછો કરી હેરાન કરતો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે કંટાળેલી સગીરાએ રોમિયોગીરી કરનાર શખ્સ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ડીસા તાલુકાના એક ગામડામાંથી એક સગીરા દરરોજ ત્રણ હનુમાન મંદિર પાસે આવેલ કોમ્પ્યુટર કોચિંગ ક્લાસમાં અભ્યાસ અર્થે આવે છે. તે સમયે ડીસાના રાણપુર ગામનો વિષ્ણુજી ઠાકોર નામનો યુવક પણ દરરોજ આ સગીરા નો પીંછો કરતો હતો. તેમજ સગીરા જ્યારે જલારામ મંદિર પાસે રિક્ષામાંથી ઉતરે ત્યારે આ યુવક એક્ટિવા તેના પગ પાસે ઉભુ રાખી હેરાન કરતો હતો.
જે મામલે સગીરાએ આ શખ્સને ચેતવણી પણ આપી હતી તેમ છતાં પણ આ યુવક સુધરવા ને બદલે તેને વધુ ને વધુ રંજાડવાનું ચાલુ રાખ્યું હતું. આથી કંટાળેલી સગીરાએ રોમિયોગીરી કરનાર વિષ્ણુજી ઠાકોર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવક સામે પોસ્કો એક્ટ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ કરી છે.
આ પણ વાંચો :આસ્થાનું ઘોડાપુર: નર્મદા પરિક્રમા માટે 20 લાખ જેટલા ભાવિકો ઉમટયા