બનાસકાંઠા: લાંચ લેતા ઝડપાયેલા પાલનપુરના સમાજ કલ્યાણ અધિકારીના ઘરમાંથી એસીબી ને રૂ. 27 લાખ રોકડા મળ્યા
પાલનપુર: મૂળ મહેસાણા જિલ્લાના વિસનગરના વતની અને પાલનપુર ખાતે સમાજ કલ્યાણ અધિકારી વર્ગ- 2 માં ફરજ બજાવતા અમિત પટેલ ગુરુવારે ₹10,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારબાદ એસીબીએ તેમના ઘરે જઈને સર્ચ કરતા ઘરમાંથી રોકડા રૂ. 27 લાખ ઉપરાંત ના નાણા મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2018માં જીપીએસસી ની સીધી ભરતીથી સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-2 તરીકે પાલનપુર બદલાઈને આવેલા અમિત પટેલ બનાસકાંઠા જિલ્લાની સમાજ કલ્યાણ વિભાગની 52 જેટલી હોસ્ટેલોની દેખરેખ અને ગ્રાન્ટ સંબંધી કામગીરી સંભાળતા હતા. જેઓ જૂન -22 થી ફરજ બજાવે છે. અમિત નરેન્દ્રભાઈ પટેલ અગાઉ આણંદ અને ગાંધીનગરમાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. ત્યારે પાલનપુર ખાતે એક ફરિયાદીને તેના છાત્રાલયની ગ્રાન્ટ પાસ કરાવવા અને કોઈ ખામી ન કાઢવા માટે અમિત પટેલે રૂપિયા 10,000 ની લાંચ માંગી હતી.
લાંચિયા અધિકારીના ઘરે સર્ચ કર્યું હતું
જેમાં એસીબીએ ગુરુવારે તેમને ઝડપી લીધા હતા. ત્યારબાદ એસીબી ની ટીમ વિસનગરના ગુંદી ખાડ, વિજયપરૂ ખાતે આવેલા અમિત પટેલના ઘરે જઈને સર્ચ ઓપરેશન કર્યું હતું. જ્યાંથી એસીબીને તેમના ઘરમાંથી રૂપિયા 27,83,440 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ રકમ અંગે અમિત પટેલ કોઈ ખુલાશો કરી શક્યા ન હતા. જેથી એસીબી ની ટીમે આ તમામ રકમ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટે 8 દોષિતોના જામીન મંજૂર કર્યા