ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીર : પૂંછ વિસ્તારમાં બનેલી ઘટનામાં 5 જવાનો શહીદ, હુમલાની જવાબદારી PAFF એ લીધી

  • સેનાએ ઘટનાને આંતકવાદી હુમલો ગણાવ્યો હતો
  • વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લેવાયો
  • સરકારે કાર્યવાહી કરવાના આપ્યા આદેશ

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે સેનાના એક વાહનમાં આગ લાગી હતી. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ છે, જેની સારવાર સેનાની હોસ્પિટલમાં ચાલી રહી છે. સેનાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સેના દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આતંકવાદી સંગઠન જૈશ સમર્થિત PAFF એટલે કે પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. એડીજીપી જમ્મુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પુંછ પહોંચી ગયા છે.

વરસાદનો લાભ લઇ હુમલો કરવામાં આવ્યો

હકીકતમાં, સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુરુવારે લગભગ 3 વાગ્યે, અજાણ્યા આતંકવાદીઓએ રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછની વચ્ચે હાઈવે પરથી પસાર થઈ રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓએ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે વાહનમાં આગ લાગી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આ આતંકી હુમલો થયો હતો.

રાજનાથસિંહે ઘટનાની માહિતી મેળવી

સેનાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના પાંચ જવાનો આ ઘટનામાં શહીદ થયા હતા. ગંભીર રીતે ઘાયલ અન્ય એક જવાનને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, રક્ષા મંત્રી રાજનાથ સિંહને આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આતંકી હુમલામાં પાંચ જવાનોના મોતની જાણકારી આપી હતી. ભારતીય સેનાના જવાનો જમીન પર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે.

ત્રણ બાજુથી ગોળીબાર

જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રેનેડ હુમલા બાદ આતંકીઓએ ત્રણ બાજુથી ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર આતંકવાદીઓ સામેલ હોવાનું માનવામાં આવે છે. હુમલા પછી, કારની ઇંધણની ટાંકીમાં આગ લાગી હતી અને ટૂંક સમયમાં આખું વાહન આગની લપેટમાં આવી ગયું હતું. સૂત્રોનું કહેવું છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે સૈનિકો કારમાં શાકભાજી અને અન્ય સામાન લઈને જઈ રહ્યા હતા. તેને જમ્મુ-કાશ્મીરમાં G-20 કોન્ફરન્સ પહેલા એક સુયોજિત હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

PAFF શું છે?

પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ એટલે કે PAFF પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સમર્થિત આતંકવાદી સંગઠન છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જ PAFFનું નામ સામે આવવા લાગ્યું હતું. આ આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદના માર્યા ગયેલા કમાન્ડર ઝાકિર મુસાથી પ્રેરિત છે, જેને વૈશ્વિક આતંકવાદી સંગઠન અલ કાયદાનો પણ વફાદાર માનવામાં આવે છે.

Back to top button