બોલિવૂડ ડેસ્કઃ બીજેપી નેતાએ કરેલા પયગંબર મોહમ્મદના અપમાનનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. મુસ્લિમ સમુદાયના લોકો નુપુર શર્માનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને તેને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. આ સાથે અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે, પથ્થરમારો અને આગચંપીનાં બનાવો નોંધાયા છે. આ દરમિયાન પ્રયાગરાજમાં પથ્થરમારાના મુખ્ય આરોપી જાવેદના ઘરે બુલડોઝર ફેરવાયું હતું. હવે આ મામલે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ નૂપુર શર્માના સમર્થનમાં એક ટ્વિટ કર્યું છે, જેના પર વિવાદ પણ ઉભો થયો છે. આ વિવાદ પર સ્વરા ભાસ્કરે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યું
નુપુર શર્માને સપોર્ટ કરતા પૂર્વ ક્રિકેટરે લખ્યું, ‘જે મહિલાએ માફી માંગી છે તેના વિરુદ્ધ આખા દેશમાં નફરત છે. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગે કહેવાતા બિનસાંપ્રદાયિક ઉદારવાદીઓનું મૌન બહેરાશભર્યું છે.’
સ્વરા ભાસ્કર ગૌતમ પર ગુસ્સે છે
અભિનેત્રી તમામ સમકાલિન મુદ્દાઓ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે પ્રખ્યાત છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં જરાય શરમાતી નથી. ગૌતમ ગંભીરના ટ્વીટનો સ્ક્રીનશોટ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા સ્વરાએ લખ્યું, ‘તે બુલડોઝરનો અવાજ સાંભળી શકતો નથી પરંતુ…’ જોકે, સ્વરાના આ ટ્વિટ પર ગૌતમ ગંભીર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ સ્વરા ભાસ્કરે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે નુપુર શર્મા વિરુદ્ધ હિંસક પ્રદર્શનનો વિરોધ કર્યો હતો.
કોણ છે નુપુર શર્મા?
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ તેને ભાજપ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી છે. આ સાથે મુંબઈ પોલીસે તેને સમન્સ પણ મોકલ્યું છે. આ મામલે તેની પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે, સસ્પેન્ડ થયા પહેલાં 37 વર્ષીય વકીલ નૂપુર શર્મા સત્તાવાર રીતે ભાજપના પ્રવક્તા હતા. નૂપુરે દિલ્હી યુનિવર્સિટીના કાયદા વિભાગમાંથી સ્કૂલિંગ કર્યું છે.