- 2002 નરોડા ગામ હત્યા કેસમાં ચુકાદો
- કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
- 21 વર્ષ બાદ સમગ્ર કેસમાં ચુકાદો
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો S6 ડબ્બો સળગાવી દીધા બાદ રાજ્યમાં ફાટી નીકળેલી હિંસામાં નોંધાયેલા વિવિધ કેસમાં નરોડા ગામ કેસમાં ચુકાદો આવ્યો છે. 2002 રમખાણ સંબંધિત 9 પૈકીનો 1 કેસ નરોડા ગામ હત્યા કેસનો આજે ચુકાદો આવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની તેમજ બજરંગ દળના આગેવાનો બાબુ બજરંગી અને જયદીપ પટેલ તેમજ અન્ય તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
2002ના નરોડા ગામ હત્યા કેસમાં ચુકાદો
2002ના નરોડા ગામ હત્યા કેસમાં સ્પેશ્યલ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે. બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ આજે આ કેસમાં ચુકાદો આવ્યો છે. 21 વર્ષ બાદ નરોડા પાટીયા કેસનો ચુકાદો આવ્યો છે જેમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે માયાબેન કોડનાની સહીત તમામ લોકોને નિર્દોષ ઠેરવ્યા છે.
21 વર્ષ બાદ કેસનો ચૂકાદો
આ કેસમાં તત્કાલિન મંત્રી માયાબેન કોડનાની, બજરંગ દળના કાર્યકર્તા બાબુ બજરંગી સહિતના 86 લોકો સામે ગુનો નોંધાયો હતો, જેમાં 18ના તો ચુકાદો આવે તે પહેલા જ મોત થઈ ચુક્યા છે. 21 વર્ષ બાદ આ કેસનો ચૂકાદો આવ્યો છે. આ કેસમાં કુલ 187 સાક્ષીની તપાસ કરાઈ જેમાંથી 5 મેડિકલ વિટનેસ છે. આ કેસ પર બન્ને પક્ષ તરફથી દલિલો 5 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. ફરિયાદ પક્ષ તથા બચાવ પક્ષની દલિલો પૂર્ણ થતા આજે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.
11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા
નરોડા ગામમાં હિંસા ફાટી નીકળતા 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા.આ મામલે વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ માટે SITની રચનાનો આદેશ આપવામાં આવ્યો હતો. અને તપાસ બાદ 86 આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરાયા હતા. આ કેસમાં 5 એપ્રિલના રોજ બન્ને પક્ષ તરફથી દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
આ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો
આ કેસમાં આરોપીઓ પર IPC ની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), 120 (બી) (ગુનાહિત કાવતરું) , અને 153 (હુલ્લડો માટે ઉશ્કેરણી) જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો હતો.
અમિત શાહે માયાકોડનાની તરફેણમાં આપી હતી જુબાની
નરોડા ગામ કેસમાં આરોપી માયાબેન તરફે અમિત શાહને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવવા જુલાઇ માસમાં અરજી કરી હતી.અમિત શાહે માયાકોડનાની તરફેણમાં નિવેદન આપ્યું હતું. અને તેઓએ જણાવ્યું હતુ કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા ગામમા તોફાન થયા ત્યારે તેઓ વિધાનસભાના સત્રમાં હાજર હતા અને અમે બંન્ને પોત પોતાની કારમાં સોલા સિવિલ ખાતે ગયા હતા. આમ માયા કોડનાનીએ દાવો કર્યો હતો કે નરોડા પાટીયા કાંડની ઘટના વખતે તેઓ હાજર ન હતા, તેઓ સોલા સિવિલ હોસ્પિટલમાં હતા.ત્યારે અમિત શાહે પણ માયા કાડનાની સોલા સિવિલમાં હાજર હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને માનહાની કેસમાં કોઈ રાહત નહિ કોર્ટે બે વર્ષની સજા યથાવત રાખી