ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સરકારી વીજળી વાપરતાં ગ્રાહકોનું વીજબિલ વધશે

Text To Speech
  • યુનિટ દીઠ કુલ 60 પૈસાનો વધારો સરકારી વીજગ્રાહકો પાસેથી વસૂલ થશે
  • અત્યારે 10 હજાર મિલિયન યુનિટનો મહિને વપરાશ છે
  • પરિણામે ખાનગી વીજળી રાજ્ય બહારથી ખરીદાઈ રહી છે

ગુજરાત વિદ્યુત નિયંત્રક પંચ-જર્ક દ્વારા ગુજરાત સરકારની કંપની જીયુવીએનએલને 10 પૈસા અધિક ફ્યૂઅલ સરચાર્જ પેટે અને 15 પૈસા એરિયર્સ તરીકે એમ 25 પૈસા એપ્રિલ-મે-જૂન 2023ના ક્વાર્ટરમાં વસૂલ કરવાની પરમિશન આપતાં, સરકારી વીજળી વાપરતાં 1 કરોડ 60 લાખ જેટલા વીજગ્રાહકો ઉપર યુનિટદીઠ 60 પૈસાનો બોજો આવશે.

આ પણ વાંચો: અતિક અહેમદનો એક પત્ર માફિયા ગેંગ, રાજકારણીઓનાં કરતૂત ખોલશે

અત્યારે 10 હજાર મિલિયન યુનિટનો મહિને વપરાશ છે

અત્યારે 10 હજાર મિલિયન યુનિટનો મહિને વપરાશ છે, તે જોતાં 0.60 લેખે મહિને રૂ.600 કરોડ અને વર્ષે રૂ.7,200 કરોડનો બોજો 2023-24 દરમિયાન સરકારી વીજગ્રાહકો ઉપર આવશે. એપ્રિલથી જૂન, 2022ના ક્વાર્ટરમાં 10 પૈસા વધારો, ઑક્ટોબરથી ડિસેમ્બર, 2022ના ક્વાર્ટરમાં 25 પૈસા વધારો અને જાન્યુઆરીથી માર્ચ 2023 સુધીના ક્વાર્ટરમાં 25 પૈસા વધારો ગણીને યુનિટ દીઠ કુલ 60 પૈસાનો વધારો સરકારી વીજગ્રાહકો પાસેથી વસૂલ થશે.

આ પણ વાંચો: સ્ક્રેપનો ધંધો કરનાર વેપારીએ કાગળ પર કરોડોના વ્યવહારો દર્શાવી CGST કૌભાંડ કર્યું 

પરિણામે ખાનગી વીજળી રાજ્ય બહારથી ખરીદાઈ રહી છે

ઑક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધીના ક્વાર્ટરમાં ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોઈ વધારો લઈ શકાશે નહીં. જીયુવીએનએલ અત્યારે રાજ્યની વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અદાણી પાસેથી 2,450 મેગાવોટ વીજળી યુનિટદીઠ રૂ. 8.85ના ધરખમ ઊંચા ભાવે, એસ્સાર પાસેથી 1,200 મેગાવોટ રૂ.7.60ના ભાવે ખરીદી રહી છે. આ ઉપરાંત 1,800થી 2,000 મેગાવોટ જેટલી વીજળી ઇન્ડિયન પાવર એક્સ્ચેન્જમાંથી યુનિટે રૂ.5.50થી માંડીને રૂ.12 સુધી ઊંચા ભાવે ખરીદાઈ રહી છે. પવન અને સોલાર વીજએકમો પાસેથી ખૂબ જ ઓછી વીજળી અત્યારે મેળવાઈ રહી છે. 6,494 મેગાવોટ ક્ષમતાના પવન ઊર્જા એકમો પાસેથી માત્ર 1,080 મેગાવોટ તથા 6,880 મેગાવોટ ક્ષમતા ધરાવતા સોલાર એકમો પાસેથી માંડ 1,220 મેગાવોટ પાવર અત્યારે મળે છે, પરિણામે ખાનગી વીજળી રાજ્ય બહારથી ખરીદાઈ રહી છે.

Back to top button