ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: બેફામ ડમ્પરચાલકો, ડીસાના તાલેપુરાના લોકોમાં રોષ, ડમ્પરો બંધ કરાવ માગ

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના તાલેપુરા ગામે ગેરકાયદેસર રેતી ભરીને બેફામ ચાલતા ડમ્પર ચાલકોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તાલેપુરા ગામના લોકોએ આજે (મંગળવારે) નાયબ કલેક્ટર અને તાલુકા પોલીસ આવેદનપત્ર આપી ગેરકાયદેસર ચાલતા ડમ્પરો બંધ કરવાની માગ કરી હતી.

ડમ્પરો બંધ નહીં થાય તો 2024માં ચૂંટણી બહિષ્કારની ચીમકી

ડીસા તાલુકાના તાલેપુરા ગામમાં ગેરકાયદેસર રેતી ભરીને બેફામ રીતે ચાલતા ડમ્પર ચાલકોથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. દિવસભર ઓવરલોડ રીતે ભરીને ચાલતા ડમ્પરોના કારણે ગામના રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. આ માર્ગ પર માધ્યમિક શાળા આવેલી હોવાના કારણે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. તો ક્યારેક ડમ્પર ચાલકો વિદ્યાર્થીનીઓને હોર્ન વગાડીને પણ હેરાન કરતા કરતા હોય છે. શાળામાં ચાલતા મધ્યાહન ભોજનમાં પણ ડમ્પરના કારણે ધૂળ ઉડતા બાળકોના શ્વાસને હાનિ પહોંચી રહી છે.

જેના કારણે ગઈકાલે સમગ્ર ગ્રામજનોએ ભેગા થઈ હોબાળો મચાવતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનો અને ડમ્પર ચાલકોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ આજે (મંગળવારે) તાલેપુરા ગામના આગેવાનો સહિત 100થી વધુ લોકોનું ટોળું ડીસા નાયબ કલેક્ટર કચેરી અને તાલુકા પોલીસ મથકે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં તાલેપુરા ગામમાંથી પસાર થતાં ડમ્પર ચાલકોને બંધ કરાવવા માટેની માગ કરી હતી અને જો તંત્ર દ્વારા ડમ્પરને બંધ કરાવવામાં નહીં આવે તો 2024ની ચૂંટણીમાં સમગ્ર ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે ગામના આગેવાન ચૌધરી દિનેશ, ચૌધરી કાળુભાઈ અને ચૌધરી ડાહ્યાભાઈએ જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં તંત્ર દ્વારા ગામમાંથી ચાલતા બેફામ અને ગેરકાયદેસર ડમ્પરોને બંધ કરાવવામાં આવ્યા નથી. જેના કારણે આજે ફરી ગ્રામજનો નાયબ કલેકટર અને પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને જો તંત્ર ડમ્પરોને બંધ નહીં કરાવે તો આગામી 2024ની ચૂંટણીમાં સમગ્ર ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. તેવી ચીમકી આપી હતી.

આ પણ વાંચો : સરકારના જ બે વિભાગ, ખરીદી એક જ પ્રકારની પણ કૌભાંડ આચરવા ભાવ જુદા

Back to top button