બનાસકાંઠા: 170 સીમકાર્ડમાં એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરી સીમકાર્ડનું વેચાણ કરતો દાંતાનો દુકાનદાર ઝડપાયો
પાલનપુર: મોટા ભાગે ગુનાહિત પ્રવૃતિને અંજામ આપવાના મામલે મોબાઈલ અને સીમકાર્ડનો મુખ્ય રોલ હોય છે. અસામાજિક તત્વો દ્વારા અને ગુનાહિત પ્રવૃત્તિ કરનારા શખ્સો ડમી સીમકાર્ડ અને ચોરીનો મોબાઈલનો ઉપયોગ કરી પોતાનો બચાવ કરવાનો સરળ ઉપાય શોધતા હોય છે. જેથી પોલીસ અને સુરક્ષા કર્મીઓથી તેમનો બચાવ થઈ શકે. સિમકાર્ડ વેચાણ કરતા દુકાનદારો પણ પોતાનો ફાયદો વધારવા માટે ડમી સિમ કાર્ડનું વેચાણ કરતા હોય છે. આવનાર ગ્રાહકો પાસેથી વધારે પૈસા લઈ ડમી સીમકાર્ડ આપી દેતા હોય છે. એવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જીતપુર ગામેથી સામે આવ્યો છે.
જિલ્લા એસ.ઓ.જી. અને સાઇબર ક્રાઇમ દ્વારા કાયદેસર કાર્યવાહી
દાંતાના જીતપુર ગામેથી ડમી સીમકાર્ડનું વેચાણ કરતા એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે. આ દુકાનદાર પાસેથી 170 જેટલા ડમી સીમકાર્ડ બનાવી વેચાણ કરવાનું સામે આવતાં એસ.ઓ.જી. પાલનપુર અને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાંતાના જીતપુર ગામે હિદાયત ફૂટવેરના હિદાયત મેમણને બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી. અને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. 170 સીમકાર્ડમાં એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરી સીમકાર્ડનું વેચાણ કરતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે દાંતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : શું પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી ? એક તસવીરે બધાના હોંશ ઉડાવી દીધા