ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ઘન કચરા નિકાલની સાઈટની જગ્યા ખાલી કરાવવા માંગ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં એકત્ર થતાં ઘન કચરાના નિકાલ માટે જુનાડીસા ગંગાજી વ્હોળા પાસે આવેલી જગ્યા ખાલી કરી અન્યત્ર ખસેડવાનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આદેશ કરાયો હોવા છતાં નગરપાલિકા દ્વારા જગ્યા ખાલી ન કરાતા જુનાડીસા ગ્રામજનો એ આવેદનપત્ર આપી તાત્કાલિક જગ્યા ખાલી કરાવવા તેમજ ચીફ ઓફિસર સામે પગલાં લેવાની માંગ કરી છે.

કોર્ટનો આદેશ છતાં જગ્યા ખાલી ન કરાતા ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

ડીસા પાટણ હાઇવે પર જુનાડીસા ગામની સીમમાં ગંગાજી વ્હોળા પાસે આવેલી જગ્યામાં ડીસા શહેરના ઘન કચરા નિકાલની સાઇટ આવેલી છે. નગરપાલિકા દ્વારા આ જગ્યા પર ઘન કચરા નિકાલનો પ્લાન્ટ લગાવેલો છે. શહેરભરનો ઘન કચરો અહીં એકત્રિત થાય છે. કચરામાં સુકો,ભીનો કચરો તેમજ મેડિકલ વેસ્ટ પણ નાખવામાં આવતો હોવાથી નજીકમાં આવેલ જુનાડીસા ગ્રામજનોએ લોકોના આરોગ્ય સાથે ગંભીર ખતરો હોવાથી ઘન કચરા નિકાલની સાઈટ ખસેડવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં અરજી કરી હતી. જેથી નેશનલ ગ્રીન ટીબ્યુનલે એક વર્ષમાં આ જગ્યા ખાલી કરવા હુકમ કરી નગરપાલિકાને જણાવ્યું હતું.

ચીફ ઓફિસરે ગ્રામજનો સામે દાદાગીરી કરી ઉદ્ધત જવાબ આપતા પગલાં લેવાની માંગ

જોકે હુકમને એક વર્ષ થવા છતાં પાલિકા દ્વારા જગ્યા ખાલી ન કરતા જુના ડીસા ગ્રામજનો એ તાજેતરમાં જ કચરાની ગાડીઓ અટકાવી દીધી હતી. જેમાં તપાસ કરતા ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટ ભરેલો હતો. જેથી આ બાબતને ચીફ ઓફિસરને જાણ કરતા ચીફ ઓફિસરે આવી ઉલટાનું ગ્રામજનો સાથે દાદાગીરી કરી ધમકાવી ‘તમારે જે કહેવું હોય તે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં જઈને કહો તેમ જણાવી’ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ ની જાણે મજાક ઉડાવતા હોય તેવું વર્તન કર્યું હતું. જેથી આજે જુનાડીસા ગ્રામજનો દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આ જગ્યા તાત્કાલિક ખાલી કરાવવા તેમજ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ઉદ્ધત વર્તન કરવા બદલ પગલાં લેવાની માંગ કરી છે.

આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી થઈ, વાઝુ મામલે તત્કાળ બેઠક બોલાવવા આદેશ

Back to top button