- મોદી વસંત ઉત્સવ ‘રોંગાલી બિહુ’ના પહેલા દિવસે એક દિવસની મુલાકાતે
- એરપોર્ટ પર રાજયપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કર્યું સ્વાગત
- એઇમ્સ સહિત વિવિધ વિકાસ યોજનાઓનું કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આસામના વસંત ઉત્સવ ‘રોંગાલી બિહુ’ના પહેલા દિવસે એક દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. ગુવાહાટી એરપોર્ટ પર રાજયપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. તેમણે અહીં 14300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રીએ 1120 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ગુવાહાટી AIIMSનું ઉદ્ઘાટન કર્યું, જેનો શિલાન્યાસ મે 2017માં તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
પૂર્વોત્તરમાં પ્રથમ AIIMS અપાઈ
આ ઉપરાંત તેમણે 500 બેડ સાથેની 3 મેડિકલ કોલેજ નલબારી મેડિકલ કોલેજ, નાગાંવ મેડિકલ કોલેજ અને કોકરાઝાર મેડિકલ કોલેજ પણ આસામના લોકોને સમર્પિત કરી હતી. તેમણે આ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ગુવાહાટીથી જ ઉદ્ઘાટન કર્યું હતું. ગુવાહાટી એઈમ્સ કામરૂપ (ગ્રામીણ) જિલ્લાના ચાંગસારીમાં બનાવવામાં આવી છે. પૂર્વોત્તરમાં આ પ્રથમ અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન છે, જેને પીએમ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર દ્વારા રૂ.1123 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં 1000 બેડની હોસ્પિટલ અને 100 MBBS સીટો હશે.
IIT ગુવાહાટીમાં સંશોધન હોસ્પિટલનો શિલાન્યાસ
વડાપ્રધાન મોદી એઈમ્સ કેમ્પસમાંથી રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ નલબારી (રૂ.615 કરોડ), નાગાંવ (રૂ.560 કરોડ) અને કોકરાઝાર (રૂ.535 કરોડ) ખાતે ત્રણ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન IIT ગુવાહાટી કેમ્પસની અંદર એક સંશોધન હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે, જેને IIT ગુવાહાટી અને આસામ સરકાર દ્વારા સંયુક્ત રીતે 600 કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે વિકસાવવામાં આવશે.
શું કહ્યું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ
આ તકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પહેલા નોર્થ ઈસ્ટના લોકોને સારવાર માટે દિલ્હી, કોલકાતા જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું જેના કારણે તેમની યાત્રા પીડાથી ભરેલી હતી. હવે તેની દર્દનાક યાત્રા પૂરી થઈ ગઈ છે. આજે ગુવાહાટી એઈમ્સ સાથે ૩ સરકારી મેડિકલ કોલેજો મેળવવા જઈ રહી છે.