ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં હાઇવે રોડ પર ગટરોની સફાઈ ના થતા ગટરો થઈ ચોકઅપ

Text To Speech

પાલનપુર: ડીસામાં નેશનલ હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટે બનાવેલી ગટરોની વર્ષોથી સફાઈ ન થતા ગટરો ચોકપ થઈ ગંદા પાણી રસ્તા પર રેલાઈ રહ્યા છે. તેમજ ઠેર ઠેર ગટરોના ઢાંકણા પણ તૂટી જતા અકસ્માતોની શક્યતા ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ હોવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સમગ્ર વિસ્તારમાં હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાઈવે ઓથોરિટી કે પાલિકા રજૂઆત સાંભળતી નથી

ડીસાના ગાયત્રી મંદીર થી જલારામ સર્કલ તરફ જતાં બન્ને બાજુના સર્વિસ રોડની બાજુમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવેના પાણીના નિકાલ બાબતે બનાવેલી ગટરોની સફાઈ વર્ષોથી થઈ નથી. આથી ગટરોમાં વર્ષોથી જમા થયેલા કચરાના કારણે ગટર બ્લોક થવાથી ગટરનાં પાણી ચારેબાજુ રોડ પર ઉભરાઈ રહ્યા છે. સાથેસાથે કાદવ કીચડ છવાતાં રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં 200થી વધુ દવાખાના આવેલા હોવાથી દર્દીઓ અને સગા વહાલાઓ પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે.

ગટર બ્લોક-humdekhengenews

ચારે બાજુ દુર્ગંધ મારતી હોવાથી સમગ્ર વિસ્તાર ગંધાઇ ઉઠ્યો છે. આ ઉપરાંત ગટર ઉપર બનાવેલા ઢાંકણા પણ ઠેર ઠેર તૂટી ગયેલા હોવાથી રાત્રિના સુમારે રાહદારીઓ ગટરમાં પડી જાય તેવી સ્થિતિ છે. અગાઉ પણ અનેક વખત અજાણ્યા રાહદારીઓ તેમજ રખડતા ઢોરો ગટરમાં પડી ચૂક્યા છે. આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી ના કોન્ટ્રાક્ટર, હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ નગરપાલિકાનું વારંવાર ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

નગરપાલિકા હાઇવે રોડ પર સફાઈ કાર્ય કરતી નથી અને આ કામ હાઇવે ઓથોરિટી નું છે તેમ કહી હાથ ઊંચા કરી દે છે. જ્યારે હાઇવે ઓથોરિટી કોઈપણ લેખીત કે મૌખિક રજૂઆત સાંભળતી નથી. આમ ડીસામાં હાઇવે વિસ્તારની પ્રજાને હાઇવે ઓથેરોટીએ બાનમાં લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. જો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી બ્લોક ગટર ખોલી ગટરનાં પાણીનો નિકાલ કરાવી સાફસફાઈ નહીં કરાય તો આ વિસ્તારના લોકોને આંદોલન કરવાની ફરજ પડશે.

આ પણ વાંચો :ગુજરાતના આ શહેરની સ્ટેમ્પ ડયૂટીની આવક જાણી રહેશો દંગ

 

Back to top button