કાચા માલના બદલે ખરાબ માલ સપ્લાય કરીને અમદાવાદ સ્થિત MSME યુનિટને રૂ. 1.04 કરોડની છેતરપિંડી કરવાનો આરોપમાં દુબઈ સ્થિત કંપનીના ડિરેક્ટરની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.
કંપનીએ GCCIને કરી હતી જાણ
MSME કંપની રામા પોલીકોન લિમિટેડે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)નો સંપર્ક કર્યો હતો જ્યારે તેને કથિત છેતરપિંડી અંગે જાણ થઈ હતી. જીસીસીઆઈએ રાજ્ય પોલીસ વિભાગને આ બાબતની જાણ કર્યા પછી, દિલ્હી પોલીસે આરોપી રોનક પંજવાનીને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. ત્યારપછી તેને ગુજરાત પોલીસના અધિકારીઓને સોંપવામાં આવ્યો જે બાદ તેને શહેરમાં લાવવામા આવ્યો છે.
કાચા માલને બદલે ખરાબ માલ મોકલવામાં આવ્યો
આ બાબતે નોંધાયેલ ફરિયાદ મુજબ રામા પોલીકોન લિમિટેડ એ નરોડામાં પ્લાસ્ટિક HM-HDPE ડ્રમ્સ, બેરલ, વિવિધ પ્રકારના ક્રેટ્સ અને કેમિકલ ડાઈ ઇન્ટરમીડિએટ્સનું ઉત્પાદન કરતું MSME યુનિટ છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, યુનિટે દુબઈ સ્થિત ડુબેલ લિંક ઈન્ટરનેશનલ જનરલ ટ્રેડિંગ એલએલસી પાસે કાચા માલનો ઓર્ડર આપ્યો હતો. જો કે, તે ઓર્ડર કરેલા કાચા માલને બદલે ખરાબ માલ મોકલવામાં આવ્યો હતો.
દૂતાવાસને પત્ર લખ્યો
કંપનીએ સમર્થન માટે GCCI નો સંપર્ક કર્યા પછી, બાદમાં UAE માં ભારતીય દૂતાવાસ, દુબઈમાં ભારતના કોન્સ્યુલ જનરલ અને દુબઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને આ બાબતે તાકીદે હસ્તક્ષેપ કરવા માટે યુએઈના દૂતાવાસને પત્ર લખ્યો.
પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી આરોપીને ઝડપી પાડ્યો
GCCIના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, “ડુબેલ લિંક ઈન્ટરનેશનલ જનરલ ટ્રેડિંગ એલએલસી સાથે સંકળાયેલ વ્યક્તિઓમાંથી એક, રોનક પંજવાની, જ્યારે તેની ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ ગુજરાત પોલીસ તેને અમદાવાદ લાવી હતી. અમે શહેર પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ આ મામલે એફઆઈઆર દાખલ કરવા માટે પત્ર લખ્યો હતો.”
IPC અને CrPCની કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ
આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 406, 419, 420, 477, 477A અને 12 અને CrPCની કલમ 154 હેઠળ FIR દાખલ કરવામા આવી છે.
આ પણ વાંચો : પંજાબમાં પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકે અડફેટે લીધા, 8ના મોત, અનેક ઘાયલ