ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અતીક અહેમદને લઈ UP પોલીસ નૈની જેલ પહોંચી, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

ઉત્તર પ્રદેશ પોલીસ ફરી એકવાર કુખ્યાત માફિયા ડોન અતીક અહેમદ સાથે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ પહોંચી છે. અતીકને કડક સુરક્ષા હેઠળ નૈની જેલમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ માફિયા અતીક અહેમદના ભાઈ અશરફને પણ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. બંનેને આવતીકાલે એટલે કે ગુરુવારે CJM કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અશરફને લાવતી વખતે રાયબરેલીમાં પોલીસની ગાડી બંધ પડી હતી. ત્યારબાદ ધક્કો મારીને કાર સ્ટાર્ટ કરી હતી.

અતીક અહેમદને લઈ જતો પોલીસ કાફલો મંગળવારે બપોર બાદ જ સાબરમતી જેલથી નીકળી ગયો હતો. બીજી તરફ બુધવારે સવારે અતીક અહેમદનો કાફલો મધ્યપ્રદેશના શિવપુરીથી ચાલીને યુપીની સરહદમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ કાફલો ઝાંસી થઈને પ્રયાગરાજ પહોંચ્યો.

અતીકે 27 માર્ચે પ્રયાગરાજમાં પણ પગ મૂક્યો હતો

27 માર્ચે પણ અતીક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. જોકે, તે સમયે તેને 2008ના ઉમેશ પાલ અપહરણ કેસમાં લાવવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ, હવે પ્રયાગરાજ પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં કોર્ટમાં પ્રાથમિક ચાર્જશીટ દાખલ કરી છે.

અતીકે કહ્યું કે હું 6 વર્ષથી જેલમાં છું. મારો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. સાબરમતી જેલમાં પણ મને હેરાન કરવામાં આવે છે. ઉમેશ પાલ હત્યા કેસમાં તેણે કહ્યું કે તેણે કોઈ કાવતરું કર્યું નથી. જેલમાં એક જામર છે, ત્યાંથી તેણે ક્યારેય કોઈને ફોન કર્યો નથી. અતીક અહેમદે કહ્યું કે સરકાર કહી રહી છે કે તેઓ તેને માટીમાં ભેળવી દેશે, પરંતુ અમે તો પહેલાથી માટીમાં મળી ચૂક્યા છીએ. તેમ છતાં હજુ રગડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે આ મામલામાં પોલીસે અતીકને કોર્ટમાં રજૂ કરવા માટે વોરંટ બી હેઠળ અરજી દાખલ કરી હતી. આ અરજી પર કોર્ટની મંજૂરી બાદ પોલીસ તેને કોર્ટમાં હાજર કરશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજ કોર્ટમાં તેની હાજરી દરમિયાન જ પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગ કરશે. આ ઉપરાંત તેના ભાઈ ખાલિદ ઉર્ફે અશરફ અને અન્ય આરોપીઓની પણ પૂછપરછ થવાની છે. એટલા માટે અશરફને પણ પ્રયાગરાજ લાવવામાં આવ્યો. તેને બરેલી જેલમાંથી લઈને પોલીસ ટુકડી થોડીવારમાં પ્રયાગરાજ જવા રવાના થઈ હતી. જણાવી દઈએ કે ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજની જયંતિપુરમ કોલોનીમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બદમાશોએ ઉમેશ પાલના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો.

Back to top button