R&B વિભાગમાં ભ્રષ્ટાચાર યથાવત, નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ડેપ્યુટી ઈજનેર ACBના હાથમાંથી ફરાર
- નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ નાયબ કાર્યપાલક ઈજનેર ફરાર
- પૂછપરછ માટે લવાયેલ લાંચિયો અધિકારી ACBને ચકમો આપીને ફરાર
- આરોપી બે કોન્ટ્રાક્ટરોની મદદથી ભાગી છૂટ્યો
નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલો નાયબ કાર્યપાલક ઈજનેર ACBના સકંજામાંથી ફરાર થઈ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હરેશ ચૌધરીનામનો ઈસમ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો. ACBએ છટકું ગોઠવીને મહામહેનતે બે લાખ રૂપિયાની લાંચ લેતા હરેશ ચૌધરીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ત્યારે ACBની પકડમાં આવેલ લાંચિયો અધિકારી ACBને ચકમો આપીને ફરાર થઈ ગયો છે.
નસવાડીમાં લાંચિયો અધિકારી ફરાર
છોટાઉદેપુરમાં હરેશ ચૌધરી નામના ડે. ઇજનેર વિકાસલક્ષી કામ પેટે ટકાવારીના બદલામાં લાંચ માગી હતી. જે અંગે ફરિયાદ મળતા ACBએ છટકું ગોઠવી આરોપીને 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારે ACBના અધિકારીઓ તેને પૂછપરછ માટે નસવાડી સર્કિટ હાઉસમાં લઈ ગયા હતા. જ્યા આરોપી ACBને પણ ચકમો આપી ત્યાથી ફરાર થયો હતો.
બે કોન્ટ્રાક્ટરોની મદદથી આરોપી ભાગ્યો
આરોપી હરૈશ ચૌધરી બે કોન્ટ્રાક્ટરોની મદદથી પોલીસના હાથ માથી ફરાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ ફરાર આરોપીને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. ત્યારે પૂછપરછ માટે લવાયેલ આરોપી ફરાર થતાં પોલીસના કામકાજ અંગે સવાલો ઉઠી રહ્યા છે.
માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર
ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર ખુબ વ્યાપી ગયો છે. અગાઉ પણ માર્ગ અને મકાન વિભાગમાં ભષ્ટાચારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.થોડા દિવસો પહેલા વલસાડ જિલ્લામાં કાર્યપાલક ઇજનેર કચેરીમાં પંચાયત વિભાગમાં ભષ્ટાચારના સમાચાર સામે આવ્યા હતા જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. આમ માર્ગ અને મકાન વિભાગમાં કોન્ટ્રાકટરો અને ઈજનેરની મિલી ભગતથી ભષ્ટાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગમા ભષ્ટાચાર ક્યારે બંધ થશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. અને વારંવાર આવી ઘટનાઓ સામે આવતા તંત્ર આ અંગે સચોટ પગલા લે અને તપાસ કરે તે જરુરી બને છે.
આ પણ વાંચો : રાજકોટવાસીઓ આનંદો ! રાજકોટથી મુંબઈ માટે શરૂ થશે વધુ એક ફ્લાઈટ