Myanmar : સેનાની એર સ્ટ્રાઈકમાં ક્રુરતા, બાળકો-મહિલાઓ સહિત 100 લોકોના મોત
- મ્યાનમારની સેનાએ નાગરિકોની ભીડ પર બોમ્બમારો કર્યો
- મહિલાઓ, બાળકો સહિત 100 થી વધુ લોકોના મોતનો અંદાજ
- સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમમાં એકત્ર ભીડ પર હવાઈ હુમલો
મ્યાનમારની સેનાએ મંગળવારે સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં બાળકો સહિત ઢગલા બંઘ લોકોના મોત થયા છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં, 100 થી વધુ લોકો માર્યા ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મ્યાનમારની સેનાએ નાગરિકોની ભીડ પર કર્યો હુમલો
મ્યાનમારની સેના દ્વારા મંગળવારે નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. નાગરિકો સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ યોજી રહ્યા હતા આ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન લશ્કરી શાસનના વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તેમાં સામાન્ય લોકો પણ હાજર હતા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, મ્યાનમારની સેનાએ એક ગામ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે, જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.
સંયુક્ત રાષ્ટ્રએ હુમલાની કરી નિંદા
સંયુક્ત રાષ્ટ્રએ નાગરિકો પર મ્યાનમારના લશ્કરી હવાઈ હુમલાની નિંદા કરી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હવાઈ હુમલાના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે પીડિતોમાં કાર્યક્રમમાં નૃત્ય કરતા શાળાના બાળકો અને ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેલા અન્ય નાગરિકો સામેલ હોવાનું જણાયું હતું, જેના પર લશ્કરી હેલિકોપ્ટર દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં 150 થી વધુ લોકો હાજર હતા
સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું કે, હવાઈ હુમલામાં લશ્કરી શાસન વિરોધી જૂથ નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (એનયુજી) ની ઓફિસ નષ્ટ થઈ ગઈ. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ સમયે મહિલાઓ અને બાળકો સહિત 150 થી વધુ લોકો સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં સશસ્ત્ર જૂથોના નેતાઓ અને લશ્કરી શાસનનો વિરોધ કરતા અન્ય રાજકીય સંગઠનોનો સમાવેશ થાય છે.
પ્રદર્શનોને ડામવા સેનાનો બળપ્રયોગ
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરીને દેશની સત્તા સંભાળી હતી. ત્યારથી દેશમાં સૈન્ય શાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શનોને ડામવા માટે સેના લોકો પર બળપ્રયોગ કરી રહી છે. સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 3,000 થી વધુ નાગરિકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો : કોરોનાનો વધતો હાહાકાર ! કોરોનાના કેસમાં ફરી ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ