Bharuch : ગટરની સફાઈ કરતી વખતે શ્વાસ રૂંધાવાથી 3ના મોત બાદ સરપંચની ધરપકડ
ભરૂચ જિલ્લામાં દહેજ ગામમાં ડ્રેનેજ લાઇનની સફાઈ કરતી વખતે ત્રણ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા બાદ પોલીસે સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, અનીપ પરમાર (23), ગલસિંહ મુનિયા (30), પરેશ કટારા (22, તમામ દહેજના રહેવાસી) સરપંચ જયદીપસિંહ રાણાની અને ડેપ્યુટી સરપંચના પતિ મહેશ ગોહિલ સૂચનાથી 4 એપ્રિલના રોજ બપોરે 20 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઇનમાં તેની સફાઇ કરવા પ્રવેશ્યા હતા. થોડા સમય પછી, જ્યારે તેઓ કઈ જવાબ આપી રહ્યા ન હતા ત્યારે અન્ય એક કામદાર, ભાવેશ કટારા, ડ્રેનેજ લાઇનમાં પ્રવેશ્યો હતો. જોકે, શ્વાસ લેવામાં તકલીફ થતાં તેણે તરત જ મદદ માટે બૂમો પાડી હતી ત્યારે ત્યાં હાજર અન્ય એક કામદાર જીજ્ઞેશ પરમારે તેને બચાવી લીધો હતો.
આ પણ વાંચો : મોરબી ઝૂલતો પુલ : છેવટે ગુજરાત સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી
ફાયર વિભાગ અને દહેજ પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્રણેય કામદારોના મૃતદેહને ઉંડી ડ્રેનેજ લાઇનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અનીપ પરમારની પત્ની રમીલાબેન પરમારે સરપંચ રાણા અને ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. દહેજ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304, 114 અને કલમ 8 હેઠળ એફઆઈઆર નોંધી હતી. બંને આરોપીઓ ગામમાંથી ભાગી ગયા હતા પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી ગામના તલાટી રજનીભાઈ મનતને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.