ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદી માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી અરજીના સંબંધમાં આજે સેશન્સ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરશે. તેમના વકીલે આ માહિતી આપી હતી. પૂર્ણેશ મોદીએ તેમની ‘મોદી સરનેમ’ ટીપ્પણી મામલે કોંગ્રેસ નેતા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં તેઓ દોષિત ઠર્યા હતા. 23 માર્ચે, સુરત મેટ્રોપોલિટન કોર્ટે રાહુલ ગાંધીને તેમની “બધા ચોરની અટક મોદી કેમ છે?” ટિપ્પણી પર બદનક્ષીનો દોષી ઠેરવતા તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. રાહુલને 24 માર્ચે લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમ ણે 3 એપ્રિલના રોજ સેશન્સ કોર્ટમાં તેની દોષિત ઠરાવ સામે અપીલ દાખલ કરી હતી.
આ પણ વાંચો : અતીક અહેમદને ફરી એકવાર સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવશે
એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે 3 એપ્રિલે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી તેમની અરજી પર સુનાવણી 13 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. કોર્ટે પૂર્ણેશ મોદીની સાથે ગુજરાત સરકારને પણ નોટિસ પાઠવી હતી. પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ સોમવારે કહ્યું હતું કે, અમે 11 એપ્રિલે એટલે કે આજે દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી ગાંધીની અરજી પર જવાબ દાખલ કરીશું. ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ વિરુદ્ધ તેમની ટિપ્પણી “બધા ચોરોને મોદી કેમ કહેવામાં આવે છે?” અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.