- રૂ.34 હજારની કડલી પસંદ કરી રૂ.3000 ત્વરિત ચૂકવી દીધા હતા
- 12.14 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી થઇ ગયા હતા
- ખભે લેધર બેગ લટકાવીને આવેલો શખ્સ ચોરી કરી ગયો
અડાજણ આનંદ મહલ રોડ સ્થિત સુવર્ણ જ્વેલર્સમાં 850 રૂપિયાની કિંમતનો ચાંદીનો સિક્કો ખરીદવા આવેલો ગઠિયો માલિકની નજર ચૂકવી 12.14 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી ગયો હતો. સીસીટીવીના આધારે ગઠિયાની ઓળખ થઇ જતાં એક ટીમ તેને પકડવા બહારગામ રવાના થઇ હતી.
આ પણ વાંચો: સુરત: લોન કેન્સલ કરવાના નામે એજેન્ટે લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લીધા
રૂ.12.14 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી થઇ ગયા હતા
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અડાજણ શાલીભદ્ર રેસિડેન્સીમાં રહેતા કેતન શાહ આનંદ મહલ રોડ સ્થિત સુવર્ણ જ્વેલર્સના નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. શનિવારે સવારે દસેક વાગ્યાના અરસામાં દુકાનમાં એક ગ્રાહક પ્રવેશ્યો હતો. આશરે 40થી 45 વર્ષની વયનો અને લાઇટ બ્લૂ શર્ટ, સફેદ પેન્ટ પહેરેલી આ વ્યક્તિએ માથે ડાર્ક બ્લૂ ટોપી અને ચહેરા ઉપર કાળુ માસ્ક, પગમાં સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. ખભે લેધર બેગ લટકાવીને આવેલો આ શખ્સ ભદ્ર કુટુંબનો લાગતો હતો.
10 ગ્રામના ચાંદીના સિક્કાનો ઓર્ડર કરતાં આ જ્વેલર્સે તેને બે સિક્કા બતાવ્યા
10 ગ્રામના ચાંદીના સિક્કાનો ઓર્ડર કરતાં આ જ્વેલર્સે તેને બે સિક્કા બતાવ્યા હતા. જેમાંથી તેણે એક રાખી લઇ ત્વરિત 850 રૂપિયાનું પેમેન્ટ કરી દીધા બાદ સોનાની કડલી બતાવવા જણાવ્યું હતું. 34 હજારની કડલી પસંદ કરી 3000 ત્વરિત ચૂકવી દીધા હતા. મહારાજને લાવ્યા બાદ બીજા રૂપિયા આપી કડલી લઇ જશે તેમ કહી ગયેલો આ ગ્રાહક પરત ફર્યો જ ન હતો. કલાકો વીતી જવા છતાં આ શખ્સ પરત નહિ આવતાં આ જ્વેલર્સને શંકા ગઇ હતી. ચેક કરવામાં આવતાં 12.14 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી થઇ ગયા હતા. સીસીટીવીમાં પણ આ શખ્સ ચોરી કરતાં દેખાઇ આવ્યો હોઇ મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો. સીસીટીવાના આધારે પોલીસ શકમંદની ઓળખ કરી લેવામાં સફળ રહી હતી. એક ટીમ તેને પકડવા માટે અન્ય શહેરમાં મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.