- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ મોટા ભાગના રાજ્યોમાં ગરમીમાં વધારો થયો
- દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત 10 રાજ્યોમાં પારો 34 ડિગ્રીને પાર
- રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસને પાર
- ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 40.2 અને વડોદરામાં 40 ડિગ્રી તાપમાન
દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં જ અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ઉંચકાવા લાગ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ઉત્તર ભારતના લગભગ 10 રાજ્યોમાં અત્યાર સુધી માવઠાંના કારણે ગરમીથી રાહત મળતી હતી, જે હવે ખતમ થઈ રહી છે. રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. દિલ્હીમાં આ વર્ષનું મહત્તમ તાપમાન હતું. એટલું જ નહીં આગામી દિવસોમાં ગરમી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
15 એપ્રિલ સુધીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે
હવામાન વિભાગનું કહેવું છે કે યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી સહિત કુલ 10 રાજ્યોમાં તાપમાન વધવા જઈ રહ્યું છે. અગાઉ 2 એપ્રિલ સુધી તાપમાન માત્ર 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જ રહ્યું હતું. આ પછી, મહત્તમ તાપમાન 3જી તારીખે 32ને પાર કરી ગયું હતું અને 7 એપ્રિલથી 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું છે. આ પછી પણ રાત્રી દરમિયાન તાપમાન નીચું રહે તે રાહતની વાત છે. આજે સવારે લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સિવાય રવિવારે તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ હતું. દરમિયાન, હવામાન વિભાગની આગાહી કેટલીક ચિંતાઓ વધારી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 15 એપ્રિલ સુધીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બુધવારે તે 37 સુધી પહોંચી શકે છે અને શનિવાર સુધીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે.
એપ્રિલથી જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે
જો કે, તે થોડી રાહતની બાબત છે કે મોટાભાગના દિવસો સુધી આકરો તડકો રહેશે નહીં અને વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અડધા જેટલો તફાવત હોઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 15 એપ્રિલ સુધીમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે જ્યારે મહત્તમ તાપમાન 38 સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં લોકોએ ગરમીથી રાહત મળી હતી. તૂટક તૂટક વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે માર્ચમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસને પાર નહોતું થયું. આ ઉપરાંત એપ્રિલના શરૂઆતના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેતા રાહત મળી છે જે હવે પુરી થાય તેમ લાગી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે અત્યાર સુધી રાહત રહી છે, જે આગામી દિવસોમાં સમાપ્ત થઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે એપ્રિલથી જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે.
ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક
આજે રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે. ઉપરાંત વડોદરામાં પણ પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત જૂનાગઢમાં 39.5 ડિગ્રી, ભૂજમાં 39.4 ડિગ્રી, રાજકોટમાં 38.6 ડિગ્રી, ભાવનગરમાં 38.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. બપોરના સમયે શહેરીજનો આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે જો કે લઘુત્તમ તાપમાન હજુ પણ મોટામાગના શહેરોમાં 26 ડિગ્રીથી નીચે છે જેના કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ મુજબ આગામી સમયમાં તાપમાનનો પારો વધુ ઉંચકાતા લોકો આકરી ગરમીનો અનુભવ કરે તેવી શક્યતાઓ વ્યકત કરાઇ છે.