ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: વડગામના ટીમ્બાચુડી ગામના ખેડૂતે 2 વીઘા હળદરના વાવેતરમાંથી 1200 કિ.લો. સૂકો હળદર પાવડર મેળવ્યું ઉત્પાદન

પાલનપુર: રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતો પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી તરફ વળે એ માટે સતત માર્ગદર્શન અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારએ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ શરૂ કરી ખેડૂતોને વિવિધ સ્તરે સહાય મળે એવી નીતિ અપનાવી છે જેના કારણે રાજ્યના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનું આકર્ષણ વધ્યું છે અને ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતો રાજ્યનો સૌથી મોટો અને મહત્વનો જિલ્લો છે. અહીંના પ્રગતિશીલ પશુપાલકો અને કૃષિકારોએ ખેતીમાં નવીનતમ પ્રયોગો અપનાવી તેમજ નવતર પહેલ કરી અન્ય ખેડૂતોને હંમેશાં નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. આવા જ એક ખેડૂત નટુભાઇ ગોદડભાઈ પ્રજાપતિ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરી અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.

ઉત્પાદન-humdekhengnews

નટુભાઇ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પ્રેરણારૂપ બન્યા

વડગામ તાલુકાના ટીમ્બાચુડી ગામના ખેડૂત નટુભાઇ ગોદડભાઈ પ્રજાપતિએ આત્મા પ્રોજેકટ, ખેતીવાડી- બાગાયત વિભાગ, પાલનપુર, બનાસકાંઠાના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કરી ગાય રાખવાનો નિર્ણય કર્યો. જેને પગલે તેઓ છેલ્લા 6 વર્ષથી પોતાની 10 વીઘા જમીનમાં ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે. તેઓ ઘઉં, બાજરી, બટાટા, ડુંગળી તથા અન્ય શાકભાજી, સરસવ, મગફળી, અને હળદર સહિતના બાગાયત પાકોમાં જીવામૃતનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવી શક્યા છે તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો થવાના લીધે તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નટુભાઇ પ્રજાપતિની પ્રાકૃતિક ખેતીના વખાણ વડગામ તાલુકાની સીમા વટાવી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રસર્યા છે. જેના લીધે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા અન્ય ખેડૂતો તેમની પાસેથી માર્ગદર્શન મેળવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને વર્ષે 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરતા થયા છે.

ઉત્પાદન-humdekhengnews

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઝેર મુક્ત અનાજ મળે છે : નટુભાઈ

તેમના કહેવા પ્રમાણે જીવામૃતનો ખર્ચ પ્રતિ વીઘે એક હજાર જેટલો થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા મળતું ઉત્પાદન ઝેર મુક્ત હોવાથી આપણા આરોગ્ય માટે ઉત્તમ છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે આપવામાં આવતી 900 રૂપિયા પ્રતિમાસની સહાય પણ મેળવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે શ્રી નટુભાઈ સતત પ્રયત્નશીલ રહે છે. જે અંતર્ગત વર્ષ 2017-18 માં તેમણે ડીસાના માલગઢ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતીના જનક પદ્મશ્રી સુભાષ પાલેકરજી ઉપસ્થિત રહ્યા હતા અને બે હજાર કરતાં વધારે ખેડૂતોએ તેમની પાસેથી પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું.

 

નટુભાઇ ગાયના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવી ખેતરમાં તેનો ઉપયોગ કરે છે. તેમણે ખેતીમાં રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ બિલકુલ બંદ કરી ધાન્ય પાક, કઠોળ, બાગાયત એમ વિવિધ ખેતી પાકમાં બમણું ઉત્પાદન મેળવ્યું છે. અમે જ્યારે તેમના ખેતરની મુલાકાત લીધી ત્યારે ફકત 22 દિવસમાં બાજરીના પાકનો અકલ્પનિય ગ્રોથ જોઈ ચોંકી ઉઠ્યા હતા. એજ પ્રમાણે ડુંગળી, બટાટા, સરસવ, હળદર સહિતના પાકોમાં જીવામૃતના ઉપયોગ થકી નોંધપાત્ર વૃદ્ધિદર જોવા મળ્યો છે. તો 2 વીઘા હળદરના વાવેતરમાંથી 1200 કિ.લો. સૂકો હળદર પાવડર ઉત્પાદન મેળવ્યું છે જે રાસાયણિક ખાતરોના ઉપયોગથી પણ મેળવી શકાતું નથી. જીવામૃતનો ખર્ચ પણ અઠવાડિયામાં એક વાર આપો તો વીઘે 200 રૂપિયા જેટલો મામુલી ખર્ચ થાય છે. જો ચાર પાંચ વાર જીવામૃત આપવામાં આવે તો પ્રતિ વીઘે એક હજારનો ખર્ચ થાય છે. જે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સની તુલનામાં ઘણો ઓછો કહેવાય આથી ખેડૂતને ખેતી ખર્ચ પોસાવાથી ફાયદો થાય છે.

ઉત્પાદન-humdekhengnews

રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના અતિરેકને કારણે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે. અનાજ અને ધાન્ય પાકો કુદરતી મીઠાશ જોવા મળતી નથી. જ્યારે જીવામૃતના ઉપયોગથી ઉત્પન્ન થયેલ અનાજમાં સ્વાદિષ્ટતા અને મીઠાશ સાથે પૌષ્ટિક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેલું જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળ સિદ્ધાંતોને અનુરૂપ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી કરવી કે જેના કારણે પાકમાં વૃદ્ધિ અને જમીન ફળદ્રુપ બને છે. ઉત્પાદન ખર્ચ અને પાણીની બચત થાય છે તેમજ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે. આજના હાઇજેનિક યુગમાં ખાવા માટે સારું ધાન્ય નથી મળતું ત્યારે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતું ધાન્ય લોકોના આરોગ્ય માટે ફાયદાકારક બની રહે છે.

ઉત્પાદન-humdekhengnews

ખર્ચ ઘટે છે, સ્વાસ્થ્ય સુધરે છે અને ઝેર મુક્ત અનાજ મળે છે : નટુભાઇ પ્રજાપતિ

આપણી પુરાતન સંસ્કૃતિ ગાય આધારિત હતી. ગાય એ ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય આધાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જ પૂર્ણ કરી શકાશે એમ જણાવતાં નટુભાઈ એ કહ્યું કે ગાય આધારિત ખેતીથી ખર્ચ ઘટે છે, એમાં રાસાયણિક ખાતર, યુરિયા, ડીએપી ન હોવાને લીધે આપણું સ્વાસ્થ્ય સુધરે છે અને સૌથી મહત્વનું ઝેર મુક્ત અનાજ મળે છે. કેન્સર, બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ જેવા અસાધ્ય રોગોનું કારણ રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સ છે. જેના નિવારણ માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. પ્રાકૃતિક ખેતીના મૂળ આધારસ્તંભ એવા બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, અચ્છાદન અને વાપ્સા પદ્ધતિના ઉપયોગથી ખેડૂતને બિલકુલ નુક્સાન જશે નહિ ને ઉત્પાદન વધશે.

પ્રાકૃતિક ખેતી માટે રૂ. 10 કરોડની સહાય ચુકવાઇ

બનાસકાંઠા જિલ્લા “આત્મા”ના પ્રોજેકટ ડિરેક્ટર એચ.જે.જીંદાલે જણાવ્યું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસો, સહાય અને કૃષિ વિભાગના માર્ગદર્શનને પગલે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લામાં ૯,૫૦૦ જેટલાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે રૂ. 10 કરોડથી વધુની સહાય અત્યાર સુધી ચુકવવામાં આવી છે.

આ પણ વાંચો :Weather Update : રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી

Back to top button