ઇન્ટરનેશનલ ડેસ્કઃ તમાકુના પેકેટ પર ચેતવણી લખવામાં આવે છે, પરંતુ હવે કેનેડા દરેક સિગારેટ પર ચેતવણી લખનારો પહેલો દેશ બની જશે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, કેનેડા વિશ્વનો પહેલો દેશ હશે જેણે દરેક સિગારેટ પર સ્વાસ્થ્ય ચેતવણી લખવાનું ફરજિયાત બનાવ્યું છે. અગાઉ દેશમાં તમાકુ ઉત્પાદનોના પેકેજિંગ પર ચેતવણી તરીકે ગ્રાફિક ચિત્ર મૂકવાની નીતિ લાગુ કરવામાં આવી હતી. બે દાયકા પહેલાં શરૂ થયેલી આ નીતિને સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી છે.
માનસિક આરોગ્ય પ્રધાન કેરોલિન બેનેટે શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘આપણે આ સંદેશાઓની અસર ગુમાવી છે, તેવી ચિંતાઓને દૂર કરવી પડશે.’ દરેક તમાકુના ઉત્પાદન પર આરોગ્ય ચેતવણી લખવાથી ખાતરી થશે કે આ મહત્વપૂર્ણ સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચે છે, જેમાં એવા યુવાનોનો પણ સમાવેશ થાય છે જેઓ સિગારેટનું પેકેટ તો લે છે પણ તેમને ચેતવણી દેખાતી નથી.”
આ પ્રસ્તાવ પર શનિવારથી ચર્ચા થશે અને સરકારને લાગે છે કે, આ નિયમ 2023ના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. બેનેટે ધ્યાન દોર્યું હતું કે, દરેક સિગારેટમાં ‘દરેક પફમાં ઝેર હોય છે’ એવો સંદેશ સૂચવવામાં આવ્યો છે. જો કે, તે પણ બદલી શકે છે.