નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે રાત્રે લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીર પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માગતા હતા. બેમિના વિસ્તારમાં થયેલી અથડામણમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં એક સ્થાનિક આતંકવાદી પણ સામેલ હતો.
કશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે, ‘પાકિસ્તાનના હેન્ડલરોએ 2018થી પાકિસ્તાનમાં રહેતા પહેલગામના સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન મીર સાથે એલઈટીના બે પાકિસ્તાની આતંકવાદીઓને 30 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પર હુમલો કરવાના ઈરાદાથી મોકલ્યા હતા.’
સોમવારે પોલીસે આતંકવાદીઓ સાથેની આ અથડામણને મોટી સફળતા ગણાવી છે. કાશ્મીર ઝોન પોલીસે આઈજી વિજય કુમારને ટાંકીને કહ્યું કે, ‘દસ્તાવેજો અને અન્ય સામગ્રી અનુસાર માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ ફૈસલાબાદના રહેવાસી અબ્દુલ્લા ગૌજરી તરીકે થઈ હતી. આ એક મોટી સફળતા છે. ખાસ વાત એ છે કે, સોપોર એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓ નાસી છૂટ્યા હતા.’
ઉલ્લેખનીય છે કે, સરકાર અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાને લઈને ઘણી સતર્ક દેખાઈ રહી છે. ગયા અઠવાડિયે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વાર્ષિક મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે તેમણે રાજભવન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. 43 દિવસની લાંબી યાત્રાની શરૂઆત 30 જૂન થઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યાત્રાની તૈયારીઓને લઈને બેઠક બોલાવી હતી.