- 3000 કેન્દ્રો ઉપર પરીક્ષાને અપાતો આખરી ઓપ
- 11:45 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું
- ઉમેદવારોનું બોડી વોર્ન કેમેરાથી ચેકિંગ કરાશે
- રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્ક્વોડ
- સ્માર્ટવોચ કે મોબાઈલ ઉપર પ્રતિબંધ, તંત્ર જપ્ત કરી લેશે
- 6000 એસટી બસની કરાઈ સગવડતા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે ફરી જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12.30 કલાકથી લઈને 01.30 કલાક સુધી આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં રાજ્યના 9.50 લાખ કરતા વધુ ઉમેદવાર પરીક્ષા આપવાના છે. રાજ્યના 3000 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે એસટી વિભાગ દ્વારા 6 હજાર બસ પરીક્ષાર્થીઓ માટે દોડાવવામાં આવી છે. 12:30એ પરીક્ષા યોજાવાની છે તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રોની અંદર જે ઉમેદવારો પ્રવેશ કરશે ત્યારે અમે ઉમેદવારોની વીડિયોગ્રાફી લઈ શકશું. કોઈપણ ‘ડમી ઉમેદવાર’ કેન્દ્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો તે ગેટ પર જ પકડાઈ જશે.
ફ્લાઈંગ સ્ક્વોડની સતત નજર, 500 ટીમ ખડેપગે
રાજ્યમાં 500થી વધારે ફ્લાઇંગ સ્ક્વોડ છે. દરેક વર્ગખંડની અંદર એક વર્ગખંડ નિરીક્ષકની ઉપર એક સુપરવાઈઝર છે, કેન્દ્ર સંચાલક છે. દરેક વર્ગખંડની અંદર સીસીટીવી કેમેરા છે, વર્ગખંડની બહાર લોબીમાં પણ સીસીટીવી રાખવામાં આવ્યા છે. પોલીસ સહિત પરીક્ષા સાથે સંકળાયેલા લોકોના મોબાઈલ લઈ લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી, બોર્ડ પ્રતિનિધિ દ્વારા મોબાઈલ કબજે લઈ લેવામાં આવશે. એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસો દોડતી કરી છે. આ વખતે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે.
સરકાર ટ્રાવેલિંગ એલાઉન્સ આપશે
આ વખતે સરકાર ઉમેદવારોને ટ્રાવેલિંગ એલાઉન્સ પણ આપશે. સરકાર દરેક પરીક્ષાર્થીને 254 રૂપિયા એસટી ભાડુ આપશે. આ રકમ આયોગને આપી દેવામાં આવી છે. પરીક્ષા પુરી થયા બાદ બેન્ક ડિટેલ અને કોલ લેટર વેરીફાઈ કરીને નાણાં ચૂકવવામાં આવશે. આ માટે બોર્ડને ભથ્થા પાછળ અંદાજે 30 કરોડ રુપિયાનો ખર્ચ થશે.
અગાઉ 70 દિવસ પહેલા ફૂટ્યું હતું પેપર
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન ગત તા.29 જાન્યુઆરીના કરવામાં આવ્યું હતું. જો કે તે પરીક્ષાનું પેપર લેવાઈ તે પહેલાં જ આગલી રાત્રે આ પેપરલીક થઈ ગયું હતું પરિણામે છેલ્લી ઘડીએ જ્યારે પેપર લેવાને માત્ર થોડા જ કલાકોની વાર હતી ત્યારે પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.