બનાસકાંઠા: આંબેથા રમેલમાં કેમિકલયુક્ત ધૂપના ધુમાડા, હેલોજન લાઇટથી 200 લોકોની આંખો સૂજી, 15ની બિડાઇ ગઇ
પાલનપુર: પાલનપુરથી પાંચ કિલોમીટર દૂર આવેલા આંબેથા ગામે રમેલના પ્રસંગે રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જ્યાં વહેલી સવારે 200 જેટલા લોકોની આંખો સૂજી ગઇ હતી. તો 15 લોકોની આંખો બિડાઇ ગઇ હતી. આ ઘટનાથી ભારે અફરા- તફરી મચી ગઇ હતી.
15ને હાથ પકડી દવાખાને લઇ જવાયા
અસરગ્રસ્તોને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા. આ ઘટના કેમિકલ યુકત ધુમાડા અને ફોક્સની ગરમીના કારણે બની હોવાનું સામે આવ્યું છે.
તાત્કાલિક સારવાર મળતાં તમામની આંખો સંપૂર્ણ સ્વસ્થ
ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ કલ્પેશભાઇ ચહેરાભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગામમાં શાંતીજી બળવંતજી ઠાકોરને ત્યાં રમેલનો ધાર્મિક પ્રસંગ હતો. જેમાં અમારા ગામ તેમજ આજુબાજુના ગામના તેમના સગા- સબંધીઓ આવ્યા હતા. આ પ્રસંગ સાંજથી વહેલી સવાર સુધી ચાલ્યો હતો. જ્યાં વહેલી સવારે લોકોની આંખો સૂઝી ગઇ હતી. ગ્રામજનોએ જણાવ્યું હતુ કે, 200થી વધુ લોકોની આંખો સૂજી ગઇ હતી.
બુધવાર રાતથી વહેલી સવાર સુધી પ્રસંગ ચાલ્યો
15 જેટલી વ્યકિતઓની આંખો બિડાઇ ગઇ હતી. જેમને હાથેથી પકડીને હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા. જેમને પાલનપુરની જુદીજુદી ચારથી પાંચ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જોકે, સારવાર બાદ તમામ અસરગ્રસ્ત વ્યકિતઓની આંખો સંપૂર્ણપણે સ્વસ્થ બની છે.તાત્કાલિક સારવારથી આંખોને નુક્સાન થયું નથી.
લાઇટની ગરમીના કારણે આંખ ઉપર સોજો આવે
કેમિકલ યુકત ધૂમાડો અને લાઇટની ગરમીના કારણે આંખ ઉપર સોજો આવી જાય છે. દર્દી આંખ ચોળે એટલે તકલીફ વધતી હોય છે. તાત્કાલિક સારવાર લેવામાં આવે તો આંખોને કોઇ નુક્સાન થતું નથી. સારી કવોલીટીના એન્ટીબાયોટીક ટીપા અને ગોગલ્સ પહેરવાથી દર્દીને રાહત થાય છે.
– ડો. હસમુખભાઇ જોષી (આંખ વિભાગના વડા, જનરલ હોસ્પિટલ, પાલનપુર)
ધાર્મિક પ્રસંગમાં કેમિકલ યુકત ધૂપ ન વાપરવો
ધાર્મિક પ્રસંગોમાં પુજા વખતે ગુગળ સહિતના ધૂપનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કેટલાક ધુપ કેમીકલયુકત હોય છે. જેનાથી આંખ સહિત શ્વશનતંત્રને પણ નૂકશાન થતું હોય છે. ત્યારે ધાર્મિક પ્રસંગોમાં કેમીકલ યુકત ધૂપનો ઉપયોગ કરવો જોઇએ નહી. – વિરસંગજી ઠાકોર (પ્રમુખ, ચોવીસી ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ, પાલનપુર)
અમારી હોસ્પિટલમાં 90 દર્દીની સારવાર કરાઈ
આંબેથા ગામના 90 દર્દીઓને સમર્પણ હોસ્પિટલમાં મે સારવાર કરી હતી. જેમની આંખોમાં કંજેકટીવાઇટીસ પ્રકારની ઇજા થયેલી હતી. જેમાં કેમીકલ યુકત ધુમાડાના કારણે આંખો લાલ થઇ ગઇ હતી. તેમજ કીકી ઉપર પણ ઇજા થઇ હતી. જેમને ટીપા અને દુ:ખાવો બંધ થવાની ટેબ્લેટ આપવામાં આવી હતી.
– ડો. પ્રિયંકા અગ્રવાલ (સમર્પણ હોસ્પિટલ, પાલનપુર)
આ પણ વાંચો :આરોપી સમર સિંહને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, કોર્ટમાંથી બહાર આવતા જ ટોળાએ માર્યો માર