પોતાને પીએમઓના ટોચના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલની કસ્ટડી જમ્મુ અને કાશ્મીર સત્તાવાળાઓ દ્વારા શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંધ્યા બાદ ગુનાહિત કિરણ પટેલને કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે (4 એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી.એક અધિકારીએ જણાવ્યું હતું કે, CJM શ્રીનગરે ગુરુવારે (6 એપ્રિલ) તેણે ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ જેલ સત્તાવાળાઓએ કિરણ પટેલની કસ્ટડી ગુજરાત પોલીસ ટીમને સોંપી હતી. કિરણ ગુજરાત પોલીસની ટીમ સાથે ગુજરાત આવી રહ્યો છે. અગાઉ જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે કિરણ પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે. કિરણ પટેલને જમ્મુ અને કાશ્મીર પોલીસમાંથી મુક્ત કરવામાં આવશે ત્યારે તેની ધરપકડ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પહેલાથી જ ત્રણ કેસ નોંધાયેલા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે નિશાત પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ વિરુદ્ધ 2023ની FIR નંબર 19 નોંધી છે. મહાઠગ કિરણ પટેલ પર ગુનાહિત ઈરાદા, પોલીસ સ્ટેશન અને કાશ્મીરના અન્ય ભાગોના અધિકારક્ષેત્ર હેઠળની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને ઉચ્ચ સ્તરીય બનાવટી સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કાશ્મીરી જેલમાં હવા ખાઈ રહેલો કિરણ પટેલ કોણ છે, શું છે હકીકત, જાણો સમગ્ર મામલો
આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર સરકારે 29 માર્ચે કિરણ પટેલની પાછલા મહિનાઓમાં કાશ્મીરની મુલાકાતો અને તેની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત વિવિધ પાસાઓની તપાસનો આદેશ આપ્યો હતો. સરકારના આદેશ મુજબ કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીને આ મામલાની તપાસ માટે તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ એક સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.