- કમોસમી વરસાદથી 15 જિલ્લાના 64 તાલુકાને નુકસાન
- 2,785 ગામોના ખેડૂતોના પાકોમાં વધુ નુકસાન થયું
- બાગાયતીમાં 20 કરોડનું જ નુકસાન થયુ છે
ગુજરાતમાં કમોસમી વરસાદથી માંડ 62 કરોડનું નુકસાન હોઈ બમણી રકમના પેકેજની વિચારણા કરવામાં આવી છે. જેમાં ખરીફમાં અતિવૃષ્ટિમાં 630 કરોડના પેકેજના માંડ 23% રકમ ચૂકવાયેલી છે. તથા ખેતી પાકોમાં 42 કરોડ, બાગાયતીમાં 20 કરોડનું જ નુકસાન થયુ છે. તથા ખેડૂતોને માંડ 23 ટકા રકમનું જ ચુકવણું થયું હતું.
રૂ.630 કરોડના રાહત પેકેજ સામે ખેડૂતોને માંડ 23 ટકા રકમનું જ ચુકવણું થયું
રાજ્યમાં ગત ખરીફ-2022માં વિધાનસભામાં ચૂંટણીને કારણે અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતોને ખુશ કરવા માટે બઢાવી-ચઢાવીને રૂ. 630 કરોડનું જંગી રાહત પેકેજ જાહેર તો કરાયેલું પણ ખેડૂતોને માંડ 23 ટકા રકમનું જ ચુકવણું થયું હતું. તેથી આ વખતે રવી-ઉનાળુ પાકોમાં કમોસમી વરસાદને લીધે નુકસાનનો અંદાજ કેવળ રૂ.62 કરોડનો હોઈ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ-એસડીઆરએફના નિયમો કરતાં બમણું યાને રૂપિયા એકસો-સવાસો કરોડનું ચુકવણું કરવાનું ભૂપેન્દ્ર પટેલ સરકારી વિચારી રહી છે.
2,785 ગામોના ખેડૂતોના પાકોમાં નુકસાન થયું
ખેતીવાડી વિભાગના સર્વે મુજબ ગત માર્ચમાં બે તબક્કે થયેલા કમોસમી વરસાદમાં સહાયપાત્ર 33 ટકાથી વધુ નુકસાન 30,895 હેક્ટર ખેતીપાકોમાં તથા 11,315 હેક્ટર બાગાયતી પાકોમાં નોંધાયું છે. એસડીઆરએફના નિયમ મુજબ 33 ટકા કે તેથી વધુ નુકસાનમાં ખેતીપાકોમાં હેક્ટર દીઠ રૂ. 13,500 સહાય આપવાની તથા બાગાયતી પાકોમાં હેક્ટર દીઠ રૂ.18,500 સહાય ચૂકવવાની જોગવાઈ છે, જેને પરિણામે અંદાજ પ્રમાણે ખેતીપાકોમાં રૂ.41.71 કરોડ તથા બાગાયતી પાકોમાં રૂ.20.37 કરોડ સહાય-વળતર ચૂકવાશે. આ રકમ પ્રમાણે સરકાર ઉપર બોજો ઘણો ઓછો આવતો હોઈ એસડીઆરએફના ચુકવણાંની રકમ કરતાં બમણી રકમ અસરગ્રસ્ત ખેડૂતોને આપવા બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં વિચારણા થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
કમોસમી વરસાદથી 15 જિલ્લાના 64 તાલુકાને નુકસાન
ગત માર્ચ માસ દરમિયાન કમોસમી વરસાદથી 15 જિલ્લાના 64 તાલુકાના 2,785 ગામોના પાકોમાં નુકસાન થયું હતું. કુલ 1,99,951 હેક્ટર વિસ્તારમાં માવઠાથી અસર થઈ હતી, જેમાં 1,83,121 હેક્ટર ખેતીપાકોમાં તથા 16,830 હેક્ટર બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું, જે પૈકી 33 ટકા કે તેથી વધુ નુકસાન 30,895 હેક્ટર ખેતીપાકોના વિસ્તારમાં અને 11,315 હેક્ટર બાગાયતી પાકોના વિસ્તારમાં નોંધાયું હતું.