કોરોના વધતા કેસ વચ્ચે IIT કાનપુરના પ્રોફેસરનો દાવો, દરરોજ આટલા કેસ વધવાનું અનુમાન
IIT કાનપુરના પ્રોફેસરે કોરોનાના વધતા કેસ વચ્ચે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ વધતા કેસોને મોસમી બિમારી તરીકે જોઈ શકાય નહીં. પ્રોફેસરે દાવો કર્યો કે આગામી બે મહિનામાં દરરોજ 15 થી 20 હજાર કેસ સામે આવશે. તેમણે કહ્યું કે અમારી પાસે એક મોડ્યુલ છે જે કોરોનાના વધતા જતા કેસોને ટ્રેક કરે છે.
પ્રોફેસરે વધુમાં કહ્યું કે અમારું મોડ્યુલ કોરોનાની વધતી સંખ્યાને યોગ્ય રીતે ટ્રેક કરવામાં સક્ષમ નથી. કારણકે ભારત જેવા દેશમાં રોજના 4 થી 5 હજાર કેસ આવવાની સંખ્યા ઘણી ઓછી છે. મારું અનુમાન છે કે આ સંખ્યા ઝડપથી વધી રહી છે. કારણકે ગયા વર્ષે જુલાઈ મહિનામાં એક નાનકડી લહેર આવી હતી અને ત્યારબાદ રોજના લગભગ 20 હજાર કેસ નોંધાઈ રહ્યા હતા. આવું જ કંઈક આ વખતે પણ થઈ શકે છે અને નવા કેસની સંખ્યા 20 હજાર સુધી પહોંચી શકે છે.
“કેસો ટોચ પર આવશે”
પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે અમે આ રોગને મોસમી બિમારી તરીકે જોઈ શકતા નથી. દેશના મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે અને ક્યાંકને ક્યાંક દરેકને એકવાર આ વાયરસનું સંક્રમણ લાગ્યુ છે. જેના કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિનું સ્તર પણ ઉભું થયું છે. તેથી જ્યારે પણ કોઈને સંક્રમણ લાગે છે, તે ખૂબ અસરકારક રહેશે નહીં. તેમણે કહ્યું કે મામલાઓમાં ટોચ હશે, પરંતુ તેને લહેર કહી શકાય નહીં. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે લહેર આવશે નહીં.
“પરિસ્થિતિ બહુ જોખમી નહીં હોય”
IIT કાનપુરના પ્રોફેસરે કહ્યું કે અત્યારે અમારું મોડ્યુલ યોગ્ય રીતે નંબરો જણાવી શકતું નથી, પરંતુ જો કેસ વધશે તો પણ સ્થિતિ વધુ ખતરનાક નહીં બને. કારણકે હજુ પણ મોટાભાગના દર્દીઓ ઘરે સાજા થઈ રહ્યા છે. ભારતની વસ્તીના હિસાબે રોજના 20 હજાર કેસ સામે આવે તો પણ તેની બહુ અસર નહીં થાય. બાકીના માટે, હું લોકોને માત્ર ભીડવાળા વિસ્તારોમાં જતી વખતે માસ્ક પહેરવાની અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરીશ.
દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,335 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,47,39,054 થઈ ગઈ છે. આ છેલ્લા 195 દિવસમાં નોંધાયેલા દૈનિક કેસોની મહત્તમ સંખ્યા છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 25,587 થઈ ગઈ છે. ગયા વર્ષે 23 સપ્ટેમ્બરે દેશમાં કોરોનાના દૈનિક 5383 કેસ નોંધાયા હતા.